Gujarat Rain Update: સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જુનાગઢ જિલ્લામા વરસાદે તારાજી સર્જી છે. અનેક રસ્તાઓ બંધ કરતા 60 વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ સાથે એસ.ટી. બસના 14 રૂટ બંધ કરાયા છે. નોંધનીય છે કે, કેશોદ અને વંથલી 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
25 જેટલા રસ્તાઓ બંધ
જુનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ આઠ સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જૂનાગઢ કલેક્ટર દ્વારા પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: અહીં ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ, અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ
ભારે વરસાદને કારણ જુનાગઢ જિલ્લાના મુખ્ય 19 ડેમમાંથી 9 ડેમ ઓવર ફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થતાં નદીકાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. જેના કારણે ભાખરવડ, વડાળા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.
NDRFની ટીમ તહેનાત
ભારે વરસાદની આગાહીને વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. કોઇ જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે કામગીરી કરી રહી છે.