PM Modi And BJP Worker : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ હેડક્વાર્ટરમાં કાર્યકરો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાથી ચૂકી જવા બદલ હતાશ કાર્યકરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં પીએમ મોદીએ કહ્યું કે દુ:ખી કેમ થાઓ છો? આપણે બહુ સારું કામ કર્યું છે. હવે આપણે ભવિષ્ય તરફ જોવાનું છે. દરમિયાન પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણી 2024ના અનુભવો શેર કર્યા હતા જ્યાં વડાપ્રધાને ભાજપના સંઘર્ષને યાદ કરીને પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાનો અને પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.
પીએમ ચૂંટણી કાર્યકરોને મળ્યા
આ દરમિયાન પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત પાર્ટીના તમામ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભાજપ કાર્યાલયમાં બે કલાકથી વધુ સમય પસાર કર્યો હતો. જ્યાં ભાજપ કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી. પીએમ મોદીનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. 2019માં લોકસભા ચૂંટણી બાદ પણ પીએમ મોદીએ પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓને મળ્યા હતા.
કાર્યકરોનો જુસ્સો વધાર્યો
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પૂર્ણ બહુમત પણ પ્રાપ્ત થયો નહોતો અને 240 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. ચૂંટણીના પરિણામ બાદથી જ ભાજપના કાર્યકરો નિરાશ દેખાઈ રહ્યા છે. જોકે તેમ છતાં પીએમ મોદીએ તેમની પ્રશંસા કરી હતી અને તેમનો જુસ્સો વધારવા કહ્યું કે તમારી મહેનતમાં કોઈ કમી રહી નથી. પરિણામથી નિરાશ ન થશો.