– વિદ્યાર્થીઓની ઓળખ છતી ન થાય તેવી રીતે સેન્ટર મુજબ રિઝલ્ટ વેબસાઈટ પર જાહેર કરવા એનટીએને સુપ્રીમનો આદેશ
– અરજદારો પેપર લીક આખા દેશમાં થયું હોવાનું સાબિત કરે તો જ પરીક્ષા રદ કરવાનો આદેશ અપાશે : ચંદ્રચુડ
નવી દિલ્હી : નીટ-યુજીમાં પેપર લીક, છેતરપિંડીનો વિવાદ સમગ્ર દેશમાં ફેલાયેલો છે. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છે. આ કેસના ચૂકાદાથી ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવન પર અસર પડી શકે છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગુરુવારે પરીક્ષાનું આયોજન કરનારી સંસ્થા એનટીએને શનિવાર સુધીમાં વિદ્યાર્થીઓની ઓળખ છુપાવીને શહેરો અને કેન્દ્રો મુજબ પરિણામ ઓનલાઈન જાહેર કરવા આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે કાઉન્સેલિંગ રોકવાનો ઈન્કાર કરી દીધો છે. આ કેસમાં હવે સોમવારે નિર્ણાયક સુનાવણી થશે, જેમાં નીટ-યુજીની પરીક્ષા ફરી થવી જોઈએ કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભળાવે તેવી સંભાવના છે. જોકે, તેની શક્યતા બહુ ઓછી છે તેવા કોર્ટે સંકેત આપ્યા છે. સુપ્રીમમાં ગુરુવારે સરકાર અને અરજદારોની દલીલો સાંભળી હતી.
દેશભરમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં ૧.૦૮ લાખ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ૫ મેના રોજ યોજાયેલી નીટ-યુજી પરીક્ષામાં ગડબડ સાથે સંકળાયેલી ૪૦ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓના માર્ક્સ, આઈઆઈટી મદ્રાસના રિપોર્ટ, પેપરમાં ગડબડ ક્યારે અને કેવી રીતે થઈ, કેટલા સોલ્વર્સ પકડાયા, પેપરમાં ગડબડમાં સીબીઆઈ તપાસના સ્ટેટસ રિપોર્ટ, ફરી તપાસની માગ અને પેપરમાં ગડબડીની સંપૂર્ણ ટાઈમલાઈન પર ચર્ચા થઈ હતી. પેપર લીકનો દાવો કરનારા અરજદાર વિદ્યાર્થીઓનના વકીલોને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આખા દેશમાં પેપર લીક થયું હોવાનું સાબિત થશે તો જ પેપર રદ કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડ, ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ડિવિઝન બેન્ચે આ કેસમાં ગુરુવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને શનિવારે બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓના સ્કોર સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવા નિર્દેશ આપ્યા છે. નીટ-યુજીમાં ગડબડી અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓની ઓળખ છુપાવીને શહેરો અને સેન્ટર મુજબ સ્કોર જાહેર કરવામાં આવે. તેઓ જોવા માગે છે કે કથિત રીતે બદનામ કેન્દ્રોમાં પરીક્ષા આપનારા ઉમેદવારોના સ્કોર વધારે છે કે અન્ય કેન્દ્રોના ઉમેદવારોનો સ્કોર વધારે છે. કેન્દ્રો મુજબ માર્કની પેટર્ન શું છે તે અમે જોવા માગીએ છીએ.
સુપ્રીમ કોર્ટે એનટીએને એવો પણ સવાલ કર્યો હતો કે, ૨૩.૩૩ લાખમાંથી કેટલા વિદ્યાર્થીઓએ તેમનું પરીક્ષા કેન્દ્ર બદલ્યું હતું? એનટીએએ જવાબ આપ્યો કે, કરેક્શનના નામે ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓએ કેન્દ્રો બદલ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ માત્ર શહેર બદલી શકે છે અને કોઈપણ ઉમેદવાર કેન્દ્રની પસંદગી કરી શકતો નથી. તેને ખ્યાલ નથી હોતો કે તેને કયું કેન્દ્ર મળવાનું છે.
પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટની નકલ તેમને ઉપલબ્ધ કરાવાઈ નહીં હોવાની અરજદારોની રજૂઆત બેન્ચે નકારી કાઢી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આ કોઈ સીલ કવરની પ્રક્રિયા નથી અને અમે પારદર્શીતામાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ સીબીઆઈએ અમને કહ્યું છે કે તેનો રિપોર્ટ જાહેર થઈ જશે તો તપાસમાં અવરોધો ઊભા થવાની શક્યતા છે. વધુમાં તમારે દર્શાવવું પડશે કે પેપર લીક પદ્ધતિસરનું હતું અને તેનાથી સંપૂર્ણ પરીક્ષાની અખંડતા પર અસર થઈ છે.
નીટ-યુજી ફરી યોજવાની માગ તેમજ પેપર લીકના આક્ષેપો કરનારા કેટલાક અરજદારો તરફથી વકીલ નરેન્દ્ર હુડ્ડાએ જણાવ્યું હતું કે, પરીક્ષાના પાંચ મહિના પહેલા એનટીએએ સિલેબસ વધારી દીધો હતો અને તેને જ ગ્રેસ માર્ક્સનો આધાર બનાવાયો હતો. પછી ગડબડ છુપાવવા માટે ફરીથી પરીક્ષા લેવાઈ હતી. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે પેપર લીકનું કાવતરું એક મહિના પહેલાં જ ઘડાયું હતું. પ્રશ્નપત્રોના પરીવહન સાથે સમાધાન સાધવામાં આવ્યું હતું. પ્રશ્નપત્રો હઝારીબાગમાં છ દિવસ સુધી એક ખાનગી કુરિયર કંપનીની કસ્ટડીમાં હતા. આઘાતજનક બાબત એ છે કે તેઓ પ્રશ્નપત્રો એક ઈ-રીક્ષામાં પરીક્ષા કેન્દ્ર સુધી લઈ ગયા હતા, જેના આચાર્યની પાછળથી આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરાઈ છે. બેન્ચે જણાવ્યું કે પ્રથમદૃષ્ટિએ જણાય છે કે પેપર લીક પટના અને હઝારીબાગ સુધી મર્યાદિત હતું અને આવું કંઈ ગોધરામાં થયું હોવાનું કહી શકાય તેમ નથી.
નીટ-પીજીના ટોપ 100 આખા દેશમાંથી : સીજેઆઈ
નીટ-પીજી પેપર લીક કેસમાં ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડે પરીક્ષા પાસ કરનારા ટોપ ૧૦૦ની યાદી વાંચી હતી અને કહ્યું કે, આ ટોપર આખા દેશમાંથી આવે છે, જેમાં આંધ્ર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાંથી ૭-૭ ટોપર છે. તમિલનાડુમાંથી ૮, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાંથી ૬-૬, કેરળ, મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળમાંથી પ-૫, હરિયાણામાંથી ચાર, દિલ્હીમાંથી ત્રણ ટોપર છે. તેથી સ્પષ્ટ થાય છે કે ૧૦૦ ટોપર્સ દેશના ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આવે છે.
નીટ પેપર લીક કેસમાં કુલ 18 પકડાયા
સીબીઆઈએ પટના એઈમ્સના ચાર વિદ્યાર્થીઓની ધરપકડ કરી, રૂમ સીલ કર્યા
– ચારેય વિદ્યાર્થીની સોલ્વર ગેંગના નેટવર્ક સાથે સંડોવણી
નવી દિલ્હી : બિહારના પટના-હજારીબાગમાં નીટ-પીજી પેપર લીક કેસની તપાસ કરતા સીબીઆઈએ ગુરુવારે એઈમ્સ પટનાના ચાર મેડિકલ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થીઓ પેપર લીક ગેંગના સોલ્વર કનેક્શન સાથે સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે. સીબીઆઈએ આ વિદ્યાર્થીઓના રૂમ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ તથા મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે.
સીબીઆઈએ જણાવ્યું હતું કે, તેમણે વિગતવાર પૂછપરછ કર્યા પછી એમબીબીએસ થર્ડ યરના ત્રણ વિદ્યાર્થી ચંદન સિંહ, રાહુલ અનંત અને કુમાર શાનુ અને સેકન્ડ યરના એક વિદ્યાર્થી કરણ જૈનની ધરપકડ કરી હતી. હઝારિબાગમાં એનટીએની ટ્રન્કમાંથી નીટ-યુજી પેપર કથિતર રીતે ચોરવા માટે નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી જમશેદપુરમાંથી ૨૦૧૭ની બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કર્યાના બે દિવસ પછી સીબીઆઈએ વધુ ચારની ધરપકડ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, એઈમ્સ પટનાના ધરપકડ કરાયેલા ચારેય વિદ્યાર્થી સોલ્વર મોડયુલના ભાગરૂપ હતા અને તેઓ કુમાર સાથે કામ કરતા હતા. ગુરુવારે ચારની ધરપકડ સાથે પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં પકડાયેલા લોકોની કુલ સંખ્યા ૧૮ થઈ ગઈ છે.
દરમિયાન સીબીઆઈએ એમબીબીએસના ચારેય વિદ્યાર્થીઓને ગુરુવારે પટનામાં વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને ચાર દિવસની કસ્ટડીમાં મકોલી આપ્યા છે. સીબીઆઈએ નીટ પેપર લીક થવાથી લઈને તેને સેટિંગવાળા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું સંપૂર્ણ નેટવર્ક જોડયું છે. સીબીઆઈને નીટનું પેપર લઈ જતા ટ્રકમાંથી પેપર ચોરનારા પંકજનું હઝારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન પણ મળી ગયું હતું. હઝારીબાગની આ સ્કૂલમાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોચ્યુ ંહતું.
સીબીઆઈએ આ કેસમાં મંગળવારે પંકજ તેમજ ઝારખંડના હઝારીબાગમાંથી રાજુ સિંહની ધરપકડ કરી હતી. જોકે, નીટ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ સંજીવ મુખ્યા હજુ પણ ભાગતો ફરે છે.
પરીક્ષા પહેલાની 45 મિનિટ માટે કોઈ રૂ. 75 લાખ ચૂકવે?
45 મિનિટમાં 180 પેપર સોલ્વ કરવા અશક્ય : મુખ્ય ન્યાયાધીશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે નીટ-યુજીમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓ સહિત પરીક્ષા રદ કરવાની માગ કરતી અરજીઓ પર એક સાથે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ૪૫ મિનિટની અંદર નીટના પ્રશ્નપત્રના ૧૮૦ સવાલ કેવી રીતે ઉકેલી શકાય અને પરીક્ષા પહેલાની ૪૫ મિનિટ માટે રૂ. ૭૫ લાખ ચૂકવાય તે પણ આશ્ચર્યજનક છે. નીટ-યુજી પેપર લીક કેસની સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડે કહ્યું કે, પેપર લીક કેટલું વ્યાપક હતું તે જાણવા માટે પરીક્ષાના કેટલા સમય પહેલાં પેપર લીક થયું તે જાણવું ખૂબ જ જરૂરી છે. પેપર લીક અને પરીક્ષા શરૂ થવા વચ્ચે જેટલો વધુ ગેપ તેની વ્યાપક્તા તેટલી જ વધુ હશે. કેન્દ્ર સરકારની દલીલના સંદર્ભમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, માની લોકે વિદ્યાર્થીઓને સવારે ૧૦.૧૫ કલાકે પેપર મળી ગયું. તેમાં ૧૮૦ પ્રશ્નો છે. શું તે પહેલાં ૯.૩૦થી ૧૦.૧૫ કલાક વચ્ચે માત્ર ૪૫ મિનિટમાં બધા સવાલો સોલ્વ થઈ જાય? આ માનવું મુશ્કેલ છે. વધુમાં શું કોઈ પરીક્ષા પહેલા ૪૫ મિનિટ માટે રૂ. ૭૫ લાખ ચૂકવી શકે?