– ભારત ફરી એવાર પ્રચંડ સર્જિકલ સ્ટ્રાઇક કરે તેવી આશંકા છે
– આ સાબિત કરે છે કે જ. અને કા.માં ત્રાસવાદી હુમલાઓમાં પાકિસ્તાની સેનાનો સીધો હાથ છે, તેમાં પાક.ના નિવૃત્ત સૈનિકો, કમાન્ડો જોડાયા છે
નવી દિલ્હી : ૧૯૬૫, ૧૯૭૧ અને છેલ્લે ૧૯૯૯માં કારગીલ યુદ્ધમાં ભારતને હાથે માર ખાધા પછી પાકિસ્તાનના લશ્કરી માંધાતાઓ તમતમી ગયા છે. ૧૯૯૯ના કારગીલ યુદ્ધ સમયે એક તબક્કે પાકિસ્તાને એટમ બોમ્બ વાપરવાનો વિચાર કર્યો હતો, ૪થી જુલાઈ (અમેરિકાના સ્વાતંત્ર્ય દિને) નવાઝ શરીફ યુએસ પહોંચ્યા હતા અને એ બોંબ વાપરવા દેવાની તે સમયના તેના સંરક્ષક અમેરિકા પાસે પરવાનગી માગી હતી. ત્યારે અમેરિકાએ ભારતને યુદ્ધ બંધ કરવા અનુરોધ કર્યો હતો. તે માત્ર એટલા માટે નહીં કે પાકિસ્તાનના એ-બોંબથી ભારતને નુકસાન થાય પરંતુ જો પરમાણુ યુદ્ધ થાય તો પાકિસ્તાનનાં મુખ્ય પાંચ જ શહેરો છે – લાહોર, રાવલપિંડી, ઇસ્લામાબાદ, સિંધ-હૈદરાબાદ અને કરાચી – તે પાંચે સાફ થઇ જાય. પાકિસ્તાનનું અર્થતંત્ર જ ભાંગી પડે. ભારે મોટો વિનાશ પણ થઇ જાય.
આ સત્ય છે. તેમ છતાં પાકિસ્તાનના લશ્કરી માંધાતાઓ સમસમી રહ્યા છે. તેઓ ભારતને ત્રાસવાદ દ્વારા ત્રાસી નાખવા ઇચ્છે છે. તેથી જ પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીર (પીઓકે) સ્થિત કોટલી વિસ્તારમાં ટ્રેઇનિંગ કેમ્પ સ્થાપી ત્રાસવાદીઓ તૈયાર કરી રહ્યું છે. તેની સેટેલાઇટ અને ભારત તરફના ભાગેથી લેવાયેલી તસ્વીરો સાક્ષી પૂરે છે.
આ સાથે વિશ્લેષકો તેવી ભીતિ સેવી રહ્યા છે કે, મોડામાં મોડા ઓકટોબરના અંતમાં જયારે ઘાટો હિમાચ્છાદિત થઈ જાય અને ચીનની સેના પણ પાકિસ્તાનને મદદ ન કરી શકે ત્યારે કદાચ ભારત પ્રચંડ હુમલો કરી પાકિસ્તાનમાં પણ રહેલી ત્રાસવાદી છાવણીઓ સહિત પીઓકેમાં રહેલી ત્રાસવાદી છાવણીઓ સાફ કરી નાખે તે માટે ફરી એકવાર પ્રચંડ સર્જિકલ સ્ટ્રાઇક પણ કરે.
વિશ્લેષકો કહે છે કે પાકિસ્તાને હવે હદ ઓળંગી છે. તેને સખ્તની નશ્યત કરવી જ જોઈએ.
પાકિસ્તાનના નિવૃત્ત સેના અધિકારીઓ તેમની નિવૃત્ત કમાન્ડોઝ આ ત્રાસવાદીઓને તાલિમ આપી રહ્યા છે. સાથે તેમને કઈ રીતે ઘૂસણખોરી કરવી તે પણ શિખવાડી રહ્યા છે. સાથે તે પણ સત્ય છે કે ચોમાસાને લીધે જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં જંગલો ગાઢ બનતા જાય છે. પર્વતો ઉપર તો ઘટાટોપ ઝાડી ફેલાઈ ગઈ છે. તેથી ત્રાસવાદીઓને આડશ લેવી ઘણી અનુકુળ રહે છે. પાકિસ્તાનના નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને કમાન્ડોઝ ત્રાસવાદ માટેની તાલિમ આપવા સાથે તેમને ક્યાં છુપાવું, અને ક્યાં આડશ લેવી તેની પણ તાલિમ આપી છે.
પાકિસ્તાન તે ત્રાસવાદી ટુકડીઓને સ્પેશ્યલ સર્વિસ ગુ્રપ (ઉક્ત નિવૃત્ત સેના અધિકારીઓ) દ્વારા સઘન લશ્કરી તાલિમ આપે છે. બંદૂકબાજી પણ શીખવાડે છે. તેઓ દરેક ત્રાસવાદી જથ્થા (ટુકડી)ને રૂ. એક લાખ આપે છે. જેટલી રકમ પણ આપે છે. નાની ટુકડીઓને રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવે છે. તેવી ભારતને પાક્કી જાસૂસી માહિતી મળી છે.
આ ત્રાસવાદીઓ ભારતમાં હુમલા કરી જંગલોના માર્ગે પાકિસ્તાનની સીમામાં ચાલ્યા જાય છે. કારણ કે ભારતીય જવાનો તે આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી આવી ન શકે.
પરંતુ હવે તો ભારત એટલી હદે તંગ આવ્યું છે કે તે કદાચ આંતરરાષ્ટ્રીય સીમા પણ ઓળંગી પાકિસ્તાની મૂળ ભૂમિમાં પણ ઘૂસી ત્રાસવાદીઓનો સફાયો કરી નાખે. બહુ થોડાને તે માહિતી હશે કે આ પૂર્વે ભારતના જવાનોએ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને પણ ત્રાસવાદીઓ અને ત્યાં રહેલા તેમના કીલ્લા જેવા મકાનોનો નાશ કરી નાખ્યો હતો. પાકિસ્તાન કશું કરી શક્યું ન હતું. તેણે જાહેર પણ કર્યું ન હતું કે ભારતના જવાનોએ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી છે. કારણ કે તેમ કહે તો તેની આબરૂ જાય તેમ હતી.