Microsoft 365 Outage: માઈક્રોસોફ્ટમાં ગઈકાલે ટેક્નિકલ ખામી સર્જાતાં મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે અનેક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, તેમના લેપટોપ અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઈ ગયા છે. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એક્સચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે.
સ્ક્રિન પર એકાએક બ્લ્યૂ સ્ક્રિન આવી ગઈ
આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.
સોશિયલ મીડિયા પર ખામી અંગે વિવિધ પોસ્ટ
અહેવાલો અનુસાર, આ ખામીને કારણે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં બેન્કો અને સરકારી કચેરીઓમાં કમ્પ્યુટર અને લેપટોપ પણ બંધ થઈ ગયા હતાં. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ખામી અંગે ઘણી પોસ્ટ પણ કરી હતી. એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમારી સિસ્ટમ પર અચાનક એક મેસેજ ફ્લેશ થયો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે એવું લાગે છે કે વિન્ડોઝ યોગ્ય રીતે લોડ થઈ શકે તેમ નથી. જો તમે ઇચ્છો, તો તમે સિસ્ટમને રિસ્ટાર્ટ કરી શકો છો અને ફરી પ્રયાસ કરી શકો છો.
મધ્ય અમેરિકામાં પણ ગઈકાલે માઈક્રોસોફ્ટ 365 સબ્સ્ક્રિપ્શન સર્વિસિઝ ડાઉન રહેતાં કોમ્પ્યુટર અને લેપટોપ કામ કરી રહ્યા ન હતા. આ ખામી 12.00 વાગ્યે સર્જાઈ હતી, જે 1.19 વાગ્યે દૂર થઈ હતી. પરંતુ તેમાંય ઘણા યુઝર્સના લેપટોપ અને કોમ્પ્યુટર રિસ્ટાર્ટ તો થયા હતાં, પણ થોડી જ ક્ષણોમાં પાછા બંધ થઈ ગયા હતા. માઈક્રોસોફ્ટ 365એ આ ખામી દરમિયાન સ્ટેટસ પેજ પર ચેતવણી આપી હતી કે, ગ્રાહકો શેરપોઈન્ટ ઓનલાઈન, વનડ્રાઈવ જેવા ટુલ્સનો ઉપયોગ કરે નહીં. બાદમાં ટેક્નિકલ ખામી દૂર થઈ હોવાની જાણ 1.30 વાગ્યે કરી હતી.
માઈક્રોસોફ્ટમાં આવેલી ખામીઓને કારણે કંપનીની લગભગ તમામ સેવાઓ પ્રભાવિત થઈ છે. યુઝર્સને માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ, માઇક્રોસોફ્ટ એઝ્યુર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આઉટેજ ડિટેક્શન પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટરે પણ વિશ્વવ્યાપી આઉટેજની ખાતરી કરી હતી. માઈક્રોસોફ્ટ 365માં ખામીના 900 થી વધુ અહેવાલો મળ્યા હતા.