ડાયસ્પોરા મરાઠીભાષીઓને ભાષા અને સંસ્કૃતિથી પરિચિત કરાવાશે
યુકે અને જાપાનમાં રહેતાં ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓને મરાઠી શીખવાશે, બાલભારતી પુસ્તક બનાવશે તો એસસીઈઆરટી પરીક્ષા લેશે
મુંબઇ : રાજ્ય સરકારે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) અને જાપાનમાં ધો.૧થી ૫ સુધીના વિદ્યાર્થીઓને મરાઠી ભાષાનું શિક્ષણ આપવા માટે સમિતીની સ્થાપના કરી છે.
ગત જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકારે મરાઠી ભાષી પરિવારના બાળકોને તેમની ભાષા અને સંસ્કૃતિ શીખવાની તક આપવા માટે ખાનગી સંસ્થાઓ સાથે સામંજસ્ય કરાર (એમઓયુ) કર્યા હતાં. વિદેશમાં રહેતી મહારાષ્ટ્રીયન તરુણ પેઢીમાં તેમની ભાષા અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તે આ પાછળનો હેતુ છે.
યુકેના વિદ્યાર્થીઓ માટે બેસિક સ્તરે કોર્સ તૈયાર કરવા યુકે મરાઠી મંડળ (બોર્ડ) સાથે સંકળાવા કોર કમિટીની રચના કરાઈ છે. રાજ્યના પાઠયપુસ્તક બ્યુરો બાલભારતી દ્વારા પાઠયપુસ્તકો નિર્માણ કરાશે અને સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઈઆરટી) પરીક્ષા માટેના પેપર સેટ કરશે. પાંચમા ધોરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેનું મૂલ્યાંકન સ્ટેટ બોર્ડ દ્વારા કરાશે. જે વિદ્યાર્થીઓ સફળતાભેર કોર્સ પૂર્ણ કરશે, તેમને સર્ટીફિકેટ અપાશે. આથી એ સુનિશ્ચિત થશે કે, વિદ્યાર્થીઓ મરાઠી ભાષા અને સંસ્કૃતિનું પ્રમાણભૂત શિક્ષણ મેળવે.
એ જ રીતે રાજ્ય સરકારે મરાઠી ભાષી પરિવારના બાળકોને મરાઠી શીખવા પ્રોત્સાહિત કરવા જાપાનના એડોગાવા ઈન્ડિયા કલ્ચરલ સેન્ટર અને ટોક્યો મરાઠી મંડળ સાથે ભાગીદારી કરી છે. રાજ્ય સરકાર આ દેશના શિક્ષકોને તાલીમ આપશે અને પાઠયપુસ્તકોમાં ૨૦ ટકા બદલાવ કરવાની પણ મંજૂરી અપાશે. મરાઠી ભાષા અને સંસ્કૃતિના મુખ્ય ઘટકોને જાળવી રાખી અભ્યાસક્રમ સ્થાનિક સંદર્ભે અનૂકુળ થાય તેની તકેદારી લેવાશે. આ પહેલ ચાલું વર્ષથી જ લાગુ થવાની શક્યતા છે.
રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, પરિપત્રકમાં જણાવ્યામુજબ, તેમના દ્વારા પહેલ પર કોઈ ખર્ચ કરાશે નહીં. સમિતી આ પહેલની પ્રગતિ પર દેખરેખ રાખવા મહિને એકવાર ઓનલાઈન બેઠક યોજશે. સહભાગી સંસ્થાઓના સભ્યો પણ કમિટીનો ભાગ હશે.