File Photo
Uttarakhand Followed Yogi Adityanath’s Path: યુપીમાં સરકારે કાવડ યાત્રાના માર્ગ પર આવતા દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો છે કે તેમણે પોતાની હોટેલ, દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવી પડશે. હવે ઉત્તરાખંડ સરકારે પણ નિર્ણય લીધો છે કે રાજ્યમાં દુકાનદારોએ પોતાની દુકાનની આગળ નામ લખવાનું રહેશે. હરિદ્વારના એસએસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમના કહ્યા અનુસાર દુકાનના માલિક અને સ્ટાફના નામ લખવા જરૂરી છે. હાલમાં દુકાનદારોનું વેરિફિકેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
22 જુલાઈથી રૂરકીમાં શરૂ થનારી કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે હાઈવે પર બનેલા ઢાબાઓની ચકાસણી પણ શરૂ કરી દીધી છે. અહીંયા પણ ઢાબા ચલાવનાર અને દુકાનદારોએ તેમની નેમ પ્લેટ લગાવવી પડશે. પોલીસે દરેક માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. વાસ્તવમાં નારસનથી હરિદ્વાર કાવડ ટ્રેક સુધી હાઈવે પર ઘણી દુકાનો અને ઢાબા છે.
આ પણ વાંચો: કાવડ યાત્રા વિવાદ : યોગી સરકારના નિર્ણય પર ભડક્યા NDAના સાથી પક્ષો, હવે કેન્દ્રીય મંત્રીએ કર્યો વિરોધ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ જારી કર્યો છે કે કાવડ યાત્રાના માર્ગ પરની તમામ દુકાનોના માલિકોએ તેમની દુકાનો, ઢાબાઓ, અને ગાડીઓની બહાર માલિકનું નામ લખવાનું રહેશે. સીએમનું કહેવું છે કે, કાવડ તીર્થયાત્રીઓની આસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.