નવીદિલ્હી : દિલ્હીના રાજકીય નિરીક્ષકો માને છે કે ભાજપના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન પર લોકસભાના પરિણામોએ બ્રેક મારી દીધી છે. લોકસભાની ચૂંટણીના દેખાવ બાબતે ભાજપના નેતાઓ અંદરોઅંદર એકબીજાને માથે જવાબદારી થોપી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ટોચના નેતાઓ પણ અંદરોઅંદર એકબીજાના ટાંટીયા ખેંચવામાં લાગ્યા છે અને કોંગ્રેસ સામે લડવા માટે હવે એમની પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. ભાજપના પ્રવક્તાઓ પણ એ જ જૂની ઘસાયેલી રેકોર્ડ વગાડી રહ્યા છે. જમ્મુમાં વધેલા આતંકવાદી હુમલાઓ પછી પણ ભાજપના ટોચના નેતાઓએ કોઈ નિવેદન આપ્યા નથી. જે વિસ્તારમાં પેટા ચૂંટણી છે ત્યાં ભાજપના નેતાઓ જાય છે ત્યારે પણ અનામત, મુસ્લિમ તૂષ્ટીકરણ તેમ જ જવાહરલાલ નહેરૂ જેવા જૂના વિષયો પર જ કોંગ્રેસની ટીકા કરે છે, જેની હવે કોઈ કિંમત રહી નથી.
દિલ્હીમાં કેદારનાથ મંદિર બનાવવાનો વિવાદ વકર્યો
શ્રી કેદારનાથધામ દિલ્હી ટ્રસ્ટે દિલ્હીમાં કેદારનાથ મંદિર બનાવવાનો નિર્ણય લીધો ત્યારથી વિવાદ વકરી રહ્યો છે. એક તરફ આ નિર્ણયથી કોંગ્રેસ નારાજ છે ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં મંદિરો અને તીર્થસ્થળોની દેખરેખ રાખતી સંસ્થા બદ્રીનાથ – કેદારનાથ મંદિર સમિતિએ કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવવા સામે કોર્ટમાં જવાની ધમકી આપી છે. શ્રી કેદારનાથધામ દિલ્હી ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્ર રૌટેલાએ આ બાબતે ટીપ્પણી કરી છે કે, સમિતિ ભલે કાયદાકીય પગલા લે જરૂર પડશે તો પોતે પણ કાયદાકીય લડાઈ લડવા તૈયાર છે. ટ્રસ્ટે જોકે નામમાંથી ધામ શબ્દ હટાવવાનું નક્કી કર્યું છે. એમના કહેવા પ્રમાણે કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા મંદિરો ઇન્દોર અને મુંબઈમાં પણ છે જ. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ એમની સામે પણ પગલા લેવા જોઈએ.
બિહારના આઇએએસ અધિકારી પર ગંભીર આરોપ
આઇએએસ અધિકારી પૂજા ખેડકરનો કિસ્સો હજી શાંત થયો નથી, ત્યાં તો બિહારના વિવાદાસ્પદ આઇએએસ અધિકારી સંજીવ હંસ ચર્ચામાં આવી ગયા છે. ૪૦ લાખ રૂપિયા કરતા વધુ કિંમતની ૧૫થી વધુ લક્ઝરી ઘડિયાળો એમના ઘરેથી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧ કિલો સોનાના દાગીના પણ દરોડામાં મળી આવ્યા છે. બીજા શહેરોમાં કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજો પણ એમની પાસેથી મળ્યા છે. જ્યારે એમના ઘરે દરોડો પાડવા ટીમ ગઈ ત્યારે આ અધિકારીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. છેવટે દરોડો પાડનાર અધિકારીઓ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા. થોડા સમય પહેલા સંજીવ હંસ પર એક મહિલાએ બળાત્કારનો આરોપ પણ મૂક્યો હતો. બહુજન સમાજ પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડેલા ગુલાબ યાદવ સાથે મળીને સંજીવ હંસે સામૂહિક બળાત્કાર કર્યો હોવાની વાત પણ બહાર આવી છે.
દિલ્હી પોલીસનો યુનિફોર્મ બદલાશે : ઋુતુ પ્રમાણે ફેરફાર થશે
આપણા દેશમાં દરેક રાજ્યની પોલીસનો યુનિફોર્મ અલગ અલગ હોય છે. મોટા ભાગના રાજ્યોમાં પોલીસ યુનિફોર્મનો રંગ ખાખી હોય છે. હવે દિલ્હી પોલીસનો યુનિફોર્મ બદલાઈને કારગો પેન્ટ અને ટી-શર્ટ થઈ શકે છે. દિલ્હી પોલીસની નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હીની અલગ અલગ મોસમ પ્રમાણે પોલીસનો યુનિફોર્મ નક્કી કરવામાં આવશે. પોલીસના યુનિફોર્મનો રંગ ખાખી રહેવાની શક્યતા છે, પરંતુ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે પોલીસ કર્મીઓને કારગો પેન્ટ અને ટી-શર્ટનો યુનિફોર્મ આપવામાં આવી શકે છે. એ જ રીતે શિયાળાની ઠંડીમાં પોલીસને ઉચ્ચસ્તરના જેકેટની સાથે ગરમ શર્ટ અને પેન્ટ પણ આપવામાં આવશે. કારગો પેન્ટનો ફાયદો એ રહેશે કે ડાયરી, મોબાઇલ ફોન અને હથિયારો રાખવા માટે ઉપયોગી બની શકે.
કેન્દ્ર સરકારે ત્રણ રાજ્યોનું ફંડ શા માટે રોક્યું
કેન્દ્ર સરકારે દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોનું સમગ્ર શિક્ષા અભિયાન ફંડ રોકી દીધું છે. એમ માનવામાં આવે છે કે આ ત્રણે રાજ્યોએ પીએમ – શ્રી યોજનાથી જોડાવાનો નન્નો ભણી દીધો હતો. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જે રાજ્ય પીએમ – શ્રી યોજના લાગુ નહીં કરે એમને શિક્ષા અભિયાન અંતર્ગત ભંડોળ નહીં અપાશે. પીએમ – શ્રી યોજના ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. દેશભરની સ્કૂલોને મોર્ડન સ્કૂલ તરીકે અપગ્રેડ કરવા માટે આ યોજના બનાવવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હીનું રૂ. ૩૩૦ કરોડ, પંજાબનું ૫૫૦ કરોડ અને પશ્ચિમ બંગાળનું રૃા. ૧ કરોડનું ફંડ અટકાવી દેવામાં આવ્યું છે.
યુપીની પેટા ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ-સપાનું ગઠબંધન
એક તરફ યોગી આદિત્યનાથે પેટા ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવા માટે મહેનત આદરી છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનના સાથીદારો – કોંગ્રેસ-સપાએ ભેગા મળીને પેટા ચૂંટણી લડવાનો પ્લાન બનાવ્યો છે. યુપી કોંગ્રેસના નેતાઓએ સપાને ચાર બેઠકો આપવા સમજાવ્યું છે, પરંતુ સપાના નેતાઓ કોંગ્રેસને બે બેઠકો આપવા સંમત થયા છે. હજુ વાત અખિલેશ-રાહુલ સુધી પહોંચી નથી. અખિલેશ થોડી બાંધછોડ કરીને કોંગ્રેસને ત્રણ બેઠકો આપી દેશે તો કોંગ્રેસ પાસે ના પાડવાનું કોઈ કારણ નહીં હોય.
હરિયાણામાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન નહીં થાય
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. બધી પાર્ટીઓ પોત-પોતાની રીતે ગઠબંધન કરી રહી છે. અભય ચૌટાલાએ માયાવતી સાથે ગઠબંધન કરી લીધું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય એવી શક્યતા વ્યક્ત થતી હતી, પરંતુ હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક નિવેદન આપ્યું હતું કે હરિયાણામાં આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે. વાતો તો એવીય ચાલતી હતી કે દુષ્યંત ચૌટાલા સહિત ઘણી નાની પાર્ટીઓએ આપ સાથે ગઠબંધનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ખેડૂત આંદોલનથી જે રીતે પંજાબમાં આપને ફાયદો થયો એવી રીતે હરિયાણામાં પણ થશે એવું આપના નેતાઓ માને છે એટલે ગઠબંધન કરવા ઈચ્છતા નથી.
નવા કાયદાના મુદ્દે મમતા બેનર્જી કેન્દ્ર સામે લડી લેવાના મૂડમાં
ત્રણ નવા કાયદા લાગુ પડયા છે. એ મુદ્દે હજુ મૂંઝવણની સ્થિતિ છે. કાયદાના અર્થઘટનો થઈ રહ્યા છે. એ દરમિયાન વિપક્ષ શાસિત રાજ્યોમાં કાયદા સામે વિરોધ ઉઠયો છે. એમાં સૌથી આગળ છે પશ્વિમ બંગાળ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાયદાને સમજવા માટે, નવા અને જૂના કાયદાની સરખામણી કરવા માટે એક કાયદા નિષ્ણાતોની સમિતિ બનાવી છે. તેમણે કહ્યું હતું કે સમિતિ યોગ્ય રીતે તપાસ કરશે પછી જ રાજ્યમાં લાગુ કરવા અંગે વિચારાશે. કોઈ ઉતાવળ કરાશે નહીં. મમતા બેનર્જી આ મુદ્દે કેન્દ્ર સામે મોરચો ખોલવાના મૂડમાં જણાય છે.
અમેરિકાના ઉપપ્રમુખની ચૂંટણીમાં તમિલ-આંધ્ર વચ્ચે જંગ!
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે. અમેરિકામાં પ્રમુખની સાથે જ ઉપપ્રમુખની ચૂંટણી થાય છે. રિપબ્લિકન પાર્ટીમાંથી જેડી વેન્સને ઉપપ્રમુખપદના ઉમેદવાર બનાવાયા છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉપપ્રમુખ કમલા હેરિસ જ ફરીથી મેદાનમાં છે. એ જંગની વચ્ચે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના લોકો વચ્ચે સોશિયલ મીડિયામાં રસપ્રદ મીઠો ઝઘડો થઈ રહ્યો છે. કમલા હેરિસના માતાના મૂળિયા તમિલનાડુમાં છે. તો જેડી વેન્સના પત્ની ઉષા ચિલુકુરી મૂળ આંધ્રપ્રદેશના છે. બંને રાજ્યના લોકો કહે છે કે બેમાંથી એક રાજ્યના મૂળ વ્હાઈટ હાઉસમાં રહેશે.
ભાજપ સાંસદ ઢુલુ મહતો સામે મહિલાને મારપીટનો આરોપ
ધનબાદના સાંસદ ઢુલુ મહતો વિવાદમાં ફસાયા છે. તેમના પર મહિલાને માર માર્યાનો આરોપ લાગ્યો હતો. એ પછી મુખ્યમંત્રી હેમંત સોરેને પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. ધનબાદ પોલીસે સાંસદ સામે ફરિયાદ દાખલ કરી છે. મહતો સામે એક કેસમાં સાક્ષી કોર્ટમાં હાજર થતાં મહતો અને તેના ૧૧ સાગરિતોએ તેમની પત્ની સાથે મારપીટ કરી હતી. મહતો સામે આ પહેલાં પણ મારમીટ, સરકારી કર્મચારીને ધમકી, હત્યાના પ્રયાસ જેવા ગુના દાખલ થયા છે.
જીતન સહાનીની હત્યાના મુખ્ય આરોપીની આખરે ધરપકડ
વીઆઈપી પાર્ટીના વડા મુકેશ સહાનીના પિતા જીતન સહાનીની હત્યાના કેસ મુદ્દે બિહારમાં રાજકારણ ગરમાયું હતું. નીતીશ કુમાર પર તેજસ્વી યાદવે જંગલ રાજનો આરોપ લગાવ્યો હતો. તેજસ્વીએ તો આરોપીઓને પકડવામાં સરકાર કંઈ કરી શકતી ન હોય તો પોતે મદદ કરશે એવુંય કહ્યું હતું. રાજકીય નિવેદનબાજી વચ્ચે સત્તાપક્ષ પર ભારે દબાણ હતું. કહે છે કે નીતિશ કુમારે પોલીસ અધિકારીઓને આરોપીને પકડી લેવા માટે ૭૨ કલાકનો સમય આપ્યો હતો. આખરે બિહાર પોલીસે જીતન સહાનીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી કાસિમ અંસારીની ધરપકડ કરી છે. કાસિમે જીતન સહાનીની હત્યાનો આરોપ કબૂલી દીધો છે.
– ઈન્દર સાહની