Vadodara School Lobby Collapsed : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો.
બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરી છે.