મુંબઈ : ભારતીય શેરબજારમાં વર્તમાન રેલીનો લાભ લઈ વિદેશી કંપનીઓ ભારતમાંની પોતાની સબ્સિડીઅરીસમાંના પોતાના હિસ્સાનું સ્થાનિક રોકાણકારોને બ્લોક ડીલ મારફત મોટેપાયે વેચાણ કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં બ્લોક ડીલ મારફત અંદાજે ૧૫ અબજ ડોલર ઊભા કરી લેવાયા હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.
૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં બ્લોક ડીલ મારફત કંપનીઓએ ઊભી કરેલી રકમની સરખામણીએ વર્તમાન વર્ષમાં ઊભી કરેલી રકમનો આંક ૧૫૦ ટકા જેટલો વધુ છે. આ ઉપરાંત જાહેર ભરણાં મારફત પણ પાંચ અબજ ડોલર જેટલા ઊભા કરાયા છે, જે ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં ઊભી કરાયેલી રકમ કરતા બમણા છે.
લોકસભાની ચૂંટણી બાદ, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી રોકાણકારોના નાણાં પ્રવાહ જળવાઈ રહેતા બ્લોક ડીલ તથા જાહેર ભરણાં મારફત નાણાં ઊભા કરવાનો પ્રવાહ જળવાઈ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
ચીનમાંથી દૂર થઈ રહેલા રોકાણકારોને ભારત નફાકારક વિકલ્પ પૂરો પાડી રહ્યું છે. વર્તમાન વર્ષમાં સેન્સેકસ અત્યારસુધી ૧૧ ટકા જેટલો ઊંચકાયો છે. ૨૦૨૦ની સરખામણીએ સેન્સેકસ હાલમાં ૧૧૮ ટકા વધુ છે. જ્યારે આ ગાળામાં શાંઘાઈ ઈન્ડેકસમાં ૮ ટકા ઘટાડો નોંધાયો છે.
ભારતીય બજારમાં હાલની રેલીને પગલે વિદેશની કંપનીઓ અહીં લિસ્ટિંગની તકો ગુમાવવા માગતી નથી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓને ભારતમાં વ્યાપક અવકાશ જણાઈ રહ્યો છે.
સંસ્થાકીય રોકાણકારો ઉપરાંત દેશના રિટેલ રોકાણકારો પણ હાલની રેલીને ચૂકી જવા માગતા નથી અને છેલ્લા ૪૦ મહિનાથી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં રિટેલ રોકાણકારો નાણાં ઠાલવી રહ્યા છે.