દુકાન નજીક શૌચક્રિયા કરવાની ના પાડતા
પરપ્રાંતિય યુવાનને લોહિયાળ ઈજા સાથે હોસ્પિટલ ખસેડાયો
ભાવનગર: શહેરના જશોનાથ સર્કલ પાસે એક પરપ્રાંતિય યુવાનને બે શખ્સે ઢીકાપાટું અને છરી વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ મારામારીના બનાવમાં લોહિયાળ ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત અનુસાર શહેરના હાદાનગર, સત્યનારાયણ સોસાયટી-૧, શાકમાર્કેટ પાસે મધુબેનના મકાનમાં ભાડેથી રહેતા સમીમભાઈ મહમદભાઈ શેખ (ઉ.વ.૨૪, રહે, મુળ કોપા ગામ, પોસ્ટ લતીફપુર, તા.શાહગંજ, ઉત્તરપ્રદેશ) અને તેમના મિત્ર રામસીંગ ઓમપ્રકાશ ચૌહાણ ગત તા.૧૭-૭ના રોજ રાત્રિના સમયે માધવદર્શન કોમ્પલેક્ષમાં આવેલ સોનુભાઈની દુકાન નં.૧૦૩માં કામ પર હતા. ત્યારે સમીર ઉર્ફે કાળુ રાજાણી નામનો શખ્સ દુકાન નજીક શૌચક્રિયા કરતો હોય, જેને ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો દીધી હતી. ત્યારબાદ બન્ને મિત્ર ઝઘડો થવાના ડરે દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે જશોનાથ સર્કલ પાસે સમીર ઉર્ફે કાળુ અને ધીરજ નામના શખ્સોએ બાઈક લઈ આવી સમીરભાઈને ઢીકાપાટું અને છરી વડે ગુપ્તાંગ પાસે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બનાવ અંગે પરપ્રાંતિય યુવાને બન્ને શખ્સ સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.