Robbery In Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લૂંટના ત્રણ બનાવ બન્યા હતા. શહેરના મધ્યમાં આવેલા મેગા મોલ નજીક ગુરુવારે(18મી જુલાઈ) ધોળા દિવસે બે બાઈકસવાર બુકાનીધારીઓએ છરીની અણીએ હોલસેલ પેઢીના બે કર્મચારીઓ પાસેથી 18.20 લાખ રૂપિયા રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. જ્યારે થાનગઢની મુખ્ય બજારમાં આવેલી સોનીની દુકાનમાંથી ત્રણ કિલો ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી બે અજાણ્યા શખસો બાઈક પર નાસી છુટ્યા હતા. બીજી તરફ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રાત્રીના સમયે બે શખસોએ કરિયાણાના વેપારી પર છરી વડે હુમલો કરીને લૂંટ ચલાવી હતી.
સુરેન્દ્રનગરમાં મેગા મોલ નજીક છરીની અણીએ લૂંટ
સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલા અને સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર મેગા મોલ પાસે ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો. હોલસેલ પેઢીના બે કર્મચારીઓ બેંકમાં 18.20 લાખ રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ છરીની અણીએ પૈસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ વિભાગ દ્વારા વેપારીઓ સહિતના શહેરીજનોને સલામતી અને સુરક્ષા પુરી પાડવામાં આવતી હોવાનો દાવો અને જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે લોકોની ભીડવાળા વિસ્તારમાં જ ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ અને વધારાના પોઈન્ટ ફાળવવામાં આવે તેવી લોકમાંગ છે.
થાનગઢની મુખ્ય બજારમાં ધોળા દિવસે લૂંટ
થાનગઢની મુખ્ય બજારમાં આવેલી સોનીની દુકાનમાં પ્રવેશી બે અજાણ્યા શખસોએ ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. આ અંગે થાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં થેલામાં અંદાજે 3 કિલોથી વધુ ચાંદીના દાગીના હોવાનું બહાર આવ્યું છે. ધોળા દિવસે સોનીની દુકાનમાં લૂંટ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ઝીંઝુવાડામાં વેપારીને છરીના ઘા ઝીંકી લૂંટ ચલાવી
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે ગુરૂવારે રાત્રીના સમયે કરિયાણાના વેપારી પર બે અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કરી 40,000 રૂપિયા રોકડ, ચાંદીના સીક્કા અને બે મોબાઈલની લૂંટ કરી નાસી છુટ્યા હતા. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભોગ બનનારનું નિવેદન લઈ ગુનો દાખલ કરી લૂંટ ચલાવનાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.