back to top
Homeબિઝનેસસેન્સેક્સમાં 81522, નિફટીમાં 24837નો નવો ઈતિહાસ રચાયો

સેન્સેક્સમાં 81522, નિફટીમાં 24837નો નવો ઈતિહાસ રચાયો

મુંબઈ : ચોમાસું દેશભરમાં સફળ નીવડી રહ્યું હોઈ એક તરફ કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષે મજબૂત વૃદ્વિ થકી ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની અપેક્ષા અને બીજી તરફ ફુગાવાને અંકુશમાં લેવામાં સફળતા મળવાની અપેક્ષા સાથે આગામી સપ્તાહમાં ૨૩, જુલાઈના કેન્દ્રિય બજેટ રજૂ થતાં પૂર્વે ફંડોએ લાર્જ કેપ શેરોના સથવારે ઐતિહાસિક તેજીના નવા શિખરો સર કર્યા હતા. સેન્સેક્સે ૮૧૦૦૦નો પડાવ તો નિફટીએ ૨૪૮૦૦નો પડાવ ઈન્ટ્રા-ડે પાર કર્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝ ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા હોઈ ખાસ લાર્જ કેપ શેરોમાં આજે ટીસીએસ બાદ ઈન્ફોસીસના પરિણામે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ખાનગી બેંકિંગ શેરોમાં તેજી જોવાઈ હતી. અલબત હેવીવેઈટ-ફ્રન્ટલાઈન શેરોમાં તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે  ૮૧૫૨૨.૫૫ની ઊંચાઈનો  નવો ઈતિહાસ રચ્યા બાદ અંતે ૬૨૬.૯૧ પોઈન્ટ ઉછળીને ૮૧૩૪૩.૪૬ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૨૪૮૩૭.૭૫ નવો ઈતિહાસ રચી અંતે ૧૮૭.૮૫ પોઈન્ટ ઉછળીને ૨૪૮૦૦.૮૫ની નવી રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નાસ્દાકમાં કડાકો :આઇટી શેરોમાં તેજી 

અમેરિકાની ચાઈનાના ટ્રેડ અને સેમીકન્ડકટર્સ ટેકનોલોજી પર આકરાં અંકુશો લાદવાના અહેવાલે ગઈકાલે અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ટેકનોલોજી શેરોમાં કડાકો બોલાઈ જતાં નાસ્દાક કોમ્પોઝિટ ઈનડેક્સ ૫૧૨.૪૨ પોઈન્ટ તૂટી ગયા સામે આજે ભારતીય શેર બજારોમાં ટીસીએસ બાદ ઈન્ફોસીસના ત્રિમાસિક પરિણામના આકર્ષણે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આક્રમક તેજી કરી હતી. ઈન્ફોસીસનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૭ ટકા વધીને રૂ.૬૩૬૮ કરોડ અને આવક ચાર ટકા વધતાં શેરમાં આકર્ષણે રૂ.૩૩.૩૫ વધીને રૂ.૧૭૫૯.૧૫ રહ્યો હતો. ટીસીએસ રૂ.૧૩૮.૯૫ ઉછળીને રૂ.૪૩૧૪.૩૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૯૨.૪૦ ઉછળીને રૂ.૫૭૫૪.૦૫,  વિપ્રો રૂ.૧૩.૬૦ વધીને રૂ.૫૭૩.૨૦,  ટેક મહિન્દ્રા રૂ.૨૪.૩૦ વધીને રૂ.૧૫૪૦.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૫૯૩.૯૦ રહ્યા હતા.

બેંક શેરો ઉછળ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૫૫ વધીને રૂ.૮૯૩.૪૦ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૯૦ વધીને રૂ.૧૮૨૩.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૫૫ વધીને રૂ.૧૨૪૯.૭૫ રહ્યા હતા. આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણનો માર્ગ મોકળો કરતો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લઈ ઈન્વેસ્ટર બીડરોને મંજૂરી આપતાં શેર રૂ.૪.૩૨ વધીને રૂ.૯૨.૨૦ રહ્યો હતો. એસબીઆઈ લાઈફ રૂ.૩૭.૮૦ વધીને રૂ.૧૬૫૯ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરો તૂટયા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ સતત મોટું પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૧૪.૪૦ પોઈન્ટ તૂટીને ૭૨૯૪૫.૬૬ બંધ રહ્યો હતો. સિમેન્સ રૂ.૩૪૫.૮૦ તૂટીને રૂ.૭૧૨૬.૧૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૮૨.૭૦ તૂટીને રૂ.૧૫૭૩.૧૫, એબીબી ઈન્ડિયા રૂ.૩૩૮.૪૫ તૂટીને રૂ.૭૮૯૫.૬૫, થર્મેક્સ રૂ.૧૪૭.૬૦ ઘટીને રૂ.૪૯૫૫.૪૫, ભેલ રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૩૦૮.૫૫ રહ્યા હતા. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૭.૨૦ વધીને રૂ.૩૬૫૩.૭૫ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ તૂટયો 

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૯૮૯.૯૫, સેઈલ રૂ.૩ ઘટીને રૂ.૧૪૮.૦૫,  એનએમડીસી રૂ.૪.૬૦ ઘટીને રૂ.૨૪૧.૯૦, એપીએલ અપોલો રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૧૫૨૯.૧૦,  વેદાન્તા રૂ.૪.૨૫ ઘટીને રૂ.૪૫૧.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૩૫ ઘટીને રૂ.૯૨૬.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૦.૫૨ પોઈન્ટ ઘટીને ૩૨૮૬૭.૭૨ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં

લાર્જ કેપ આઈટી, એફએમસીજી, બેંક શેરોમાં તેજી સામે આજે કેપિટલ ગુડઝ, મેટલ સહિતના શેરોમાં વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરો સાથે રોકડાના સંખ્યાબંધ શેરોમાં ઓપરેટરો, ફંડોનું ઓફલોડિંગ થતાં વ્યાપક ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૦ અને વધનારની ૧૪૨૪ રહી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૯૨ હજાર કરોડ ઘટી

શેરોમાં આજે આઈટી, બેંકિંગ, એફએમસીજી શેરોમાં ખરીદી સામે કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૯૨ હજાર કરોડ ઘટીને રૂ.૪૫૪.૩૨ લાખ કરોડ રહ્યું હતું.

DIIની રૂ.૨૯૦૪ કરોડની વેચવાલી

એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં શેરોમાં રૂ.૫૪૮૩.૬૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૯૦૪.૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments