– સેન્સેક્સ નવી ઉંચી સપાટીએ પરંતુ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 92,000 કરોડનું ધોવાણ
– કામકાજના અંતે સેન્સેક્સ 627 પોઇન્ટ ઉછળી 81,343 અને નિફ્ટી 188 પોઇન્ટ ઉછળી 24,800ની ઉંચી સપાટીએ
અમદાવાદ : આગામી સપ્તાહે રજૂ થનારા બજેટમાં અર્થતંત્રને વેગ આપતા ચોક્કસ પગલા રજૂ થવાની ગણતરી પાછળ તેમજ અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી કૂદાવી દીધી હતી બીજી તરફ નિફ્ટી પણ ૨૪,૮૩૭ની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો.
આગામી સપ્તાહે રજૂ થનાર બજેટમાં સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ રાહતના પગલા જાહેર કરવાની સાથે ટેક્સના માળખામાં પણ રાહત જાહેર કરે તેવી સંભાવનાઓ પાછળ આજે બજારમાં માનસ સુધારા તરફી થવા પામ્યું હતું. આ ઉપરાંત જૂન ત્રિમાસિકના પરિણામના પ્રારંભિક તબક્કામાં આગેવાન કંપનીઓ દ્વારા જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી સારા રહેતા બજાર પર તેની સાનુકૂળ અસર થઈ હતી.
આ ઉપરાંત દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના અહેવાલોને જોતાં આગામી સમયમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ થવાની સાથે ગ્રામીણ અર્થંતંત્ર પણ ધમધમતુ થવાની ગણતરી મુકાઈ રહી છે.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ ૮૧,૦૦૦ની સપાટી કુદાવીને ઇન્ટ્રા-ડે વધીને ૮૧,૫૨૨ની લાઇફ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયા બાદ કામકાજના અંતે ૬૨૬.૯૧ પોઇન્ટ ઉછળીને ૮૧,૩૪૩.૪૬ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સે માત્ર ૧૧ ટ્રેડિંગ સત્રમાં ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે.
બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ નવી લેવાલી પાછળ આજે ઇન્ટ્રા-ડે વધીને ૨૪,૮૩૭.૭૫ની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૧૮૭.૮૫ પોઇન્ટ ઉછળીને ૨૪,૮૦૦.૮૫ની નવી સપાટીએ મજબૂત રહ્યો હતો.
સેન્સેક્સમાં આજે નવું ઉંચુ લેવલ હાંસલ થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૂ. ૯૨,૦૦૦ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૪૫૪.૩૨ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારો દ્વારા ૫,૪૮૪ કરોડની નવી લેવાલી હાથ ધરાઈ હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૂ. ૨,૯૦૪ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી.
સેન્સેક્સમાં ઉછાળા સામે સ્મોલ- મિડકેપમાં પીછેહઠ
પસંદગીના શેરોમાં નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સ ૮૧,૦૦૦ની સપાટી કુદાવી ઇન્ટ્રા-ડે વધીને ૮૧૫૨૨ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો. તો બીજી તરફ આજે સ્મોલકેપ અને મિડકેપ શેરો તૂટતા તેમના સેન્સેક્સમાં ગાબડા નોંધાયા હતા. આજે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ ૬૨૬ પોઇન્ટ તૂટીને ૫૩૬૭૬ ઉતરી આવ્યો હતો. જ્યારે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૪૭૨ પોઇન્ટ તૂટીને ૪૭૩૫૨ની સપાટીએ નરમ રહ્યો હતો.
સેન્સેક્સની સફર
લેવલ
હાંસલ થયા તારીખ
૭૦,૦૦૦
૧૧, ડિસે. ૨૦૨૩
૭૫,૦૦૦
૯ એપ્રિલ, ૨૦૨૪
૭૬,૦૦૦
૨૭ મે ૨૦૨૪
૭૭,૦૦૦
૧૦ જૂન ૨૦૨૪
૭૮,૦૦૦
૨૫ જૂન ૨૦૨૪
૭૯,૦૦૦
૨૭ જૂન, ૨૦૨૪
૮૦,૦૦૦
૩ જુલાઈ, ૨૦૨૪
૮૧,૦૦૦
૧૮ જુલાઈ, ૨૦૨૪