back to top
Homeપ્રાઈમ ન્યૂઝCM પદ છીનવાઈ જવાની અટકળો વચ્ચે યોગી આકરા બનતાં યુપીમાં વિરોધીઓ બેકફૂટ...

CM પદ છીનવાઈ જવાની અટકળો વચ્ચે યોગી આકરા બનતાં યુપીમાં વિરોધીઓ બેકફૂટ પર

Uttarpradesh Politics News |  ઉત્તર પ્રદેશના રાજકરણમાં રવિવારથી જે રીતે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેના ઉપરથી લાગી રહ્યું હતું કે સરકાર અને સંગઠન બન્નેમાં ધરખમ ફેરફાર આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતના હિસ્સામાં આઠ ટકા અને ૨૦૧૯ સામે ૨૯ બેઠકોના નુકસાનના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ ઉપરથી હટાવવામાં આવશે એવી અટકળો પણ હિન્દીભાષી ટીવી ચેનલો ઉપર જોવા મળી હતી. બુધવારે દેશની રાજધાની દિલ્હી અને રાજ્યના પાટનગર લખનઉમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. છેલ્લે સગઠન સર્વોપરી, સરકાર નહી એવી જાહેરાત કરનાર પ્રદેશ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવા સુધી વાત પહોચી છે. 

પરિણામ પછી યોગી આદિત્યનાથની સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાથી તેમને બદલવા જોઈએ એવી માંગ ઉઠી રહી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કોઈના ઈશારે યોગીને હટાવવાની મુહિમ શરુ કરી હોવાનું માનવામાં આવે છે. આ અભિયાનમાં ચૌધરી પણ જોડાયા હતા. જોકે, ૨૦૧૭થી રાજ્યના મુખ્યમંત્રી રહેલા યોગી આદિત્યનાથ એક્શનમાં આવતા વિરોધીઓ અત્યારે સ્તબ્ધ થઇ ગયા છે. 

સૌથી મહત્વનું છે કે આ ઘટનાક્રમ એવા સમયે થઇ રહ્યો છે જયારે ઉત્તર પ્રદેશમાં ૧૦ વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી થવા જઈ રહી છે. આ બેઠકોમાં ભાજપનો દેખાવ નબળો રહે, કોંગ્રેેસ કે સપા ગઠબંધન કરી ફરીએકવાર ભાજપને પરાસ્ત કરે તો સ્થિતિ વધુ વણસી શકે છે. જોકે, મુખ્યમંત્રી યોગીએ અત્યારે સમગ્ર ઘટનાનો દોર પોતાના હાથમાં લઇ લીધો છે. તેમણે કેબીનેટ બેઠક બોલાવી અને આ પેટાચૂંટણી માટે તેમણે ૩૦ સભ્યોની એક સમિતિની રચના કરી હતી. મોટાભાગના મંત્રીઓને સાથે રાખ્યા છે પણ નાયબ મુખ્યમંત્રીને આ સમિતિમાં સ્થાન નથી આપવામાં આવ્યું. આ સ્પષ્ટ કરે છે કે પોતાની સામે મોરચો માંડનાર મૌર્યથી યોગી નારાજ છે. આ પછી તરત જ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે બેઠક કરી. આ બેઠક બાદ એવી ચર્ચા શરૂ થઇ કે યોગી કેટલાક મંત્રીઓને પડતા મૂકવાની તૈયારી કરી રહ્યા છે. 

રવિવારે લખનઉ ખાતે ઉત્તર પ્રદેશ ભાજપ વર્કિંગ કમિટીની બેઠકમાં મૌર્ર્યએ મુખ્યમંત્રીને લોકસભાના પરિણામ માટે જવાબદાર ઠેરવ્યા બાદ બુધવારે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત ચાલી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં તેમણે શું ચર્ચા કરી એ જાહેર થયું નહી પણ પછી સમાચાર વહેતા થયા કે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી બદલાય એવી શક્યતા છે. 

બીજી તરફ, ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોના પરિણામના કારણોનો અભ્યાસ કરતો એક ૧૫ પાનાનો અહેવાલ લઇ પ્રદેશ પ્રમુખ ચૌધરી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને બુધવારે મળ્યા હતા. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં ચૌધરીએ લોકસભાના નબળા પરિણામ માટે આદિત્યનાથ સરકારને જવાબદાર ઠેરવતો રિપોર્ટ ચર્ચાના કેન્દ્રમાં હતો. જોકે, આ તરફ યોગી આદિત્યનાથની કેબીનેટ બેઠક, પેટા ચૂંટણી માટે સમિતિની રચના અને રાજ્યપાલ સાથેની બેઠક ચાલી રહી હતી. આ બધી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેહલા ગૃહમંત્રી અમીત શાહ અને પછી ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીને બેઠક માટે બોલાવ્યા. ચૌધરીએ પક્ષ પ્રમુખ સાથે થયેલી ચર્ચા અનુસાર લોકસભાના નબળા પરિણામ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતો અહેવાલ આપ્યો પણ વડાપ્રધાને નબળા પરિણામ માટે ચૌધરી જવાબદારી સ્વીકારી લે એવું સૂચન કરતા પછીથી પોતે રાજીનામું આપવા તૈયાર છે એવી નક્કર વાતો સામે આવી છે. 

જૂન મહિનામાં લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે સંબંધો વણસી રહ્યા છે કે ગૃહ મંત્રી શાહ અને મુખ્યમંત્રી વચ્ચે હવે તાલમેલ નથી એવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતની લોબી સામે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. એટલે સુધી કે મુખ્યમંત્રી યોગીએ એવું સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે લોકસભાના પરિણામ એ કેન્દ્ર સરકારની કામગીરી અંગેનો જનાદેશ છે, રાજ્ય સરકાર સામે નહી. એમણે એવું પણ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની બેઠકોમાં ઉમેદવારોની પસંદગી થઇ, જે ઉમેદવારો નક્કી થયા એમાં પોતાની કોઈ ભૂમિકા નથી અને એમની સાથે એ અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી નથી. આદિત્યનાથના આક્રમક સ્વરૂપના કારણે અત્યારે મૌર્ય અને ચૌધરી નબળા પડેલા જણાય છે. એવું પણ લાગી રહ્યું છે કે આદિત્યનાથ પોતાની ગાદી ટકાવી રાખશે પણ હવે પેટાચૂંટણીના પરિણામ કેવા આવશે તેના ઉપર સૌની નજર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments