England vs West Indies: બેન સ્ટોક્સ (Ben Stokes) કેપ્ટન બન્યા બાદ અને બ્રેન્ડન મેકુલમ (Brendon McCullum) કોચ બન્યા બાદ ઈંગ્લેન્ડની ટીમનો અપ્રોચ ખાસ્સો બદલાયો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ ટીમ બેટિંગ કરવા ઉતરે ત્યારે બોલર્સને અપેક્ષા ન હોય એવા અંદાજથી ફટકાબાજી કરી વિરોધી ટીમ પર પ્રેશર બનાવી દે છે. ઈંગ્લેન્ડને આ પ્રકારની રમતના કારણે ઘણો ફાયદો પણ થયો છે.
ઇંગ્લેન્ડની ટીમે હવે ફરીથી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી ટેસ્ટમાં જીત્યા બાદ હવે બીજી નોટિંઘમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ એવું કારનામું કરી બતાવ્યું હતું કે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર થયું છે.
26 બોલમાં પ્રથમ ફિફ્ટી!
ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં માત્ર 4.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ અગાઉ પણ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે જ હતો. આ ટીમે વર્ષ 1994માં સાઉથ આફ્રિકા સામે 4.3 ઓવરમાં 50નો આંકડો પાર કર્યો હતો પરંતુ હવે 30 વર્ષ પછી ટીમે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
નોટિંઘમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમની બેટિંગમાં શરૂઆત ખરાબ રહી હતી. આ ટીમે પહેલી ઓવરના ત્રીજા જ બોલ પર પ્રથમ ગુમાવી દીધી હતી. ઓપનર ક્રાઉલી 0 પર આઉટ થયો હતો. ત્યાર બાદ બેન ડકેટે ઓલી પોપની સાથે મળીને 23 બોલમાં ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડી દીધો હતો.
ઓલી પોપની સદી
ઓપનર બેન ડકેટે પોતાની અડધી સદી માત્ર 32 બોલમાં જ બનાવી દીધી હતી જે તેની અત્યાર સુધીની સૌથી ફાસ્ટ ફિફ્ટી છે. આ ખેલાડીએ ધુંઆધાર બેટિંગ કરતા ઓલી પોપની સાથે 106 રનની ભાગીદારી નોંધાવી હતી. બેન ડકેટ 59 બોલમાં 71 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ યુવા ફાસ્ટ બોલર શમાર જોસફે ઝડપી હતી. ડકેટે તેની ઇનિંગ દરમિયાન કુલ 14 ચોકા ફટકાર્યા હતા. ત્યાર બાદ ઓલી પોપે સદી પુરી કરી હતી. તેણે 167 બોલમાં 121 રન બનાવ્યા હતા. કેપ્ટન બેન સ્ટોકસે 104 બોલમાં 69 રન બનાવ્યા હતા.