દુનિયાભરમાં વિન્ડોઝ પર કામ કરતાં તમામ આઇટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક બંધ પડી ગયા હતા. ટેક્નિકલ ખામીનાં કારણે દુનિયામાં ઘણા એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. ક્યાંક રેલ નેટવર્ક ખોરવાયું તો ક્યાંક બેન્કિંગ સર્વિસને અસર થઈ હતી. આ તમામ ઘટનાઓ પાછળ ખરેખર કારણ શું હતું એ જાણવા મળી ગયું છે.
વિન્ડોઝ યુઝર્સને તેઓનાં સ્ક્રીન પર બ્લૂ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) જોવા મળે છે. આ તકલીફ ક્રાઉડ સ્ક્રાઇક અપડેટ પછીથી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અને મોટી મોટી કંપનીઓ આ તકલીફના કારણે પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે ક્લાઉડ સર્વિસને અસર થયા બાદ આ અંગે જાણકારી આપી હતી.
શા માટે થઈ તકલીફ?
માઇક્રોસોફ્ટની સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર આ સમસ્યાની શરૂઆત Azure બેકએન્ડ વર્કલોડના કૉંફીગ્યુરેશનમાં કરવામાં આવેલ એક ફેરફારના કારણે થઈ હતી. જેના કારણે સ્ટોરેજ અને કમ્પ્યુટર રિસોર્સિસ વચ્ચે સમસ્યા આવી રહી છે અને તેના કારણે કનેક્ટિવિટી ફેલ્યોર જેવી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી.
માઈક્રોસોફ્ટ 365ની સર્વિસિસ પર અસર પડી છે. માઈક્રોસોફ્ટ સાથે કામ કરનાર સાયબર સિક્યોરીટી કંપની CrowdStrike દ્વારા આ ભૂલ માનવામાં આવી છે. તેણે કહ્યું હતું કે જેના કારણે આ તકલીફ થઈ તે કારણ શોધી લેવામાં આવ્યુ છે અને તેનાં પર કામ કરવામાં આવી રહ્યું છે.
આટલા પગલાં લેવાની સૂચના:
– યુઝર્સે પહેલા વિન્ડોઝને સેફ મોડ અથવા વિન્ડોઝ રિકવરી એન્વાયર્નમેન્ટમાં બુટ કરવું પડશે.
– ત્યાર પછી તેઓએ C:WindowsSystem32driversCrowdStrike ડિરેક્ટરીમાં જવું પડશે.
– ત્યાર પછી તેઓએ C-00000291*.sys ફાઇલ શોધીને તેને ડિલીટ કરવી પડશે.
– છેલ્લે તમારે તમારી સિસ્ટમને સામાન્ય રીતે રીસ્ટાર્ટ કરવી પડશે.
આ ખામીના કારણે માત્ર એરલાઇન્સ જ નહીં, બેન્કિંગ અને ઘણી ટેક કંપનીઓમાં પણ કામ અટકી ગયું છે. IBM, HCL, TCS, Accenture જેવી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પણ આજે સર્વર ડાઉન છે, જેના કારણે કામ થઈ રહ્યું નથી. સરળ ભાષામાં સમજીએ તો તે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત તમામ ક્ષેત્રોને અસર કરી રહ્યું છે. બ્રિટનમાં ઘણી ન્યૂઝ ચેનલોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેન સર્વિસને પણ અસર થઈ હતી.