– પોલીસની આંખમાં ધૂળ નાંખવા બુટલેગરોએ નવો કીમિયો અપનાવ્યો
– વડવાના શખ્સને નારી ગામ નજીકથી એલસીબીએ દબોચી લીધો, એમ્બ્યુલન્સ, મોબાઈલ ફોન અને દારૂની નાની-મોટી ૫૫૫ બોટલ કબજે કરાઈ
આ બનાવની ઉપલબ્ધ થતી માહિતી અનુસાર ભાવનગર-અમદાવાદ હાઈવે પર ધોલેરા તરફથી એક સફદે કલરની ટેમ્પો ટ્રાવેલર્સ એમ્બ્યુલન્સમાં વિલાયતી દારૂનો મસમોટો જથ્થો ભરી ભાવનગરમાં ઘૂસાડવામાં આવી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે નાઈટ પેટ્રોલીંગમાં રહેલી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે નારી ગામના તળાવ પાસે ,જય મોમાઈ હોટલ સામે નારી ચોકડી તરફ જતા રોડ પર મધરાત્રિના સમયે વોચ રાખી હતી. દરમિયાનમાં ભુરા કલરની લાઈટ લગાડેલી એમ્બ્યુલન્સ નં.જીજે.૧૦.ડબ્લ્યુ.૭૦૦૨ અહીંથી પસાર થતાં એલસીબીએ રોકી તપાસ કરતા એમ્બ્યુલન્સમાં પાછળના ભાગે સ્ટ્રેચર અને બેસવા માટેની સીટ અને કેબીનની પાછળના ભાગે પતરાવાળું ખાનું જોવા મળી આવ્યું હતું. જે ખાના ઉપર રાખેલ લાકડાનું ઢાકણું કાઢી જોતા તેમાંથી અંગ્રેજી દારૂની એક લીટરની ૨૭૯, ૭૫૦ એમ.એલ.ની ૩૬, ૩૭૫ એમ.એલ.ની ૪૮ અને ૧૮૦ એમ.એલ.ની ૧૯૨ મળી કુલ ૫૫૫ બોટલ (કિ.રૂા.૨,૩૦,૭૯૦) મળી આવતા એલસીબીએ વિલાયતી દારૂનો જથ્થો, એક મોબાઈલ ફોન, એમ્બ્યુલન્સ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ સહિત કુલ રૂા.૭,૩૫,૭૯૦ના મુદ્દામાલ સાથે મનીષ દિનેશભાઈ ડાભી (રહે, બારૈયા ફળી, ખીજડાવાળી શેરી, વડવા, ભાવનગર) નામના શખ્સને ઝડપી લઈ વરતેજ પોલીસમાં પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.