– એકબાજુ નવી શિક્ષણ નીતિ અંતર્ગત
– ગ્રંથપાલ દિવસની ઉજવણી કરાય છે પણ નોકરી આપવામાં સરકારનું વલણ શંકાસ્પદ
ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાાનના પિતા તરીકે ઓળખાતા ડો.એસ.આર. રંગનાથનનો જન્મ તમિલનાડુ રાજ્યના શિયાલી, ચેન્નાઇ ખાતે ૧૨ ઓગસ્ટ ૧૮૯૨ના રોજ થયો હતો. લાઇબ્રેરી સાયંસના અભ્યાસ અને સંશોધન માટે રીસર્ચ સર્કલ ઉભું કરી લાઇબ્રેરી સાયંસના વિકાસમાં ડો.રંગનાથનનું વિશેષ યોગદાન રહેલું છે. તેમણે ૭૦થી વધુ ગ્રંથ અને ૩૦૦૦થી વધારે લેખો લખ્યા હતાં. ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાાનને સમગ્ર ભારતમાં વિકસાવવામાં ડો.રંગનાથને સખત મહેનત કરી હતી.અને તેમનું એક સ્વપ્ન હતું કે આગામી યુવા પેઢી વધુમાં વધુ લાઇબ્રેરીનો ઉપયોગ કરે અને લાઇબ્રેરીમાં બેસીને વધુ ને વધુ પુસ્તકો વાંચે પરંતુ હાલમાં શાળાઓની સ્થિતિ જોઇએ તો નાની-મોટી લાયબ્રેરી હોય છે પરંતુ સફળ સંચાલન કરનાર ગ્રંથપાલનો સંપૂર્ણ અભાવ વર્તાય છે. ભાવનગરની ૮૬ સરકારી અને ૧૩૪ ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં એકપણ ગ્રંથપાલ નથી જે વાતથી અધિકારી વર્ગ પરિચિત જ છે. જ્યારે નવી એનઇપીની ભલામણોના આધારે નવોદિત વયના શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણનું વાતાવરણ મળે તે હેતુને સાકાર કરવા આર.આઇ.ઇ.ભોપાલ દ્વારા શાળા પુસ્તકાલય વ્યવસ્થાપન અને ઇ-લાયબ્રેરીની રચનામાં પાયાથી અગ્રીમતા સુધીની તાલીમ પુરી પાડવા ગ્રંથપાલ માટે છ મહિનાની શાળા પુસ્તકાલય પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને નામ મોકલવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને જાણ કરી છે. પરંતુ આ તમામ શાળાઓમાં ગ્રંથપાલ જ નથી ત્યારે તાલીમ અભ્યાસક્રમમાં કોણ જોડાય જેથી તાલીમ ભવન દ્વારા પણ નીલનો રિપોર્ટ આપી દેવાયો હોવાનું જણાયું છે. આમ નામ બડે દર્શન ખોટે જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને ડો.એસ.આર. રંગનાથનના સ્વપ્નને પણ આડકતરી રીતે ગ્રંથપાલની ભરતી નહીં કરી રોેળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો ભાસ થાય છે.