– ગ્રાહકોની સુરક્ષા માટે તંત્ર એલર્ટ
– એક વર્ષ કે દ્વિ-વાર્ષિક 724 વેપારીઓએ વજન માપના 1246 સાધનોની ખરાઇ કરાવી : રૂા. 6.88 લાખની આવક
જિલ્લા તોલમાપ કચેરી દ્વારા નિયમિત મોબાઇલ ચેકીંગ ડ્રાઇવ ગોઠવાતી હોય છે. જે ગ્રાહકોની સુરક્ષા અને ગ્રાહકોના હકો માટે કાર્ય કરાતું હોય છે જે અંતર્ગત ગત માસમાં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર ચેકીંગ દરમિયાન વજન-માપના કુલ ૫૪ કેસ થવા પામ્યા હતા જેમાં માંડવાળ ફી પેટે કુલ રૂા.૩૩,૦૦૦ની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે પીસીઆરનૌ એક કેસ થતા ૪૦૦૦ રૂપિયા માંડવાળ ફી વસૂલવામાં આવી હોવાનું જણાયું હતું. જ્યારે જિલ્લામાં આવેલ અલગ અલગ વેપારીને ત્યાં કુલ ૫૪૩ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક અને દ્વિ-વાર્ષિક વેપારીઓના ઇલેક્ટ્રીક તેમજ મેકેનીકલ વજન માપ સાધનોની ખરાઇ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં કુલ ૭૨૪ વેપારીઓના ૧૨૪૬ સાધનોની ખરાઇ કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી મુદ્રાંકનની તારીખ પૂર્ણ થયા બાદ વજન માપ ખરાઇ માટે રજૂ કરવામાં આવેલ હોય તેવા વેપારી પાસેથી ૬૭૫૨૪ લેઇટ ફી વસૂલવામાં આવી હતી. આમ ચકાસણી મુદ્રાંકનની કામગીરી કરવાની સાથો સાથ કેસોની વિગતો પણ જાહેર થવા પામી છે.
સાધનોની ખરાઇ ન કરાવનાર 1 પેટ્રોલ પંપ, 22 સોની વેપારી સહિત 56 એકમો સામે કાર્યવાહી
વિવિધ વેપારીઓ દ્વારા પોતાના ઇલેક્ટ્રીક તેમજ મેકેનિકલ વજન માપના સાધનોની વાર્ષિક દ્વિ-વાર્ષિક ખરાઇ કરાવવાની હોય છે જેથી ગ્રાહકને નિયત વજન-માપમાં વસ્તુ મળી રહે પરંતુ ઘણા વેપારી આ નિયમનો ઉલાળીયો કરતા હોય છે તેવા વેપારીઓએ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરાતી હોય છે. તાજેતરમાં હાથ ધરાયેલ ચેકીંગ દરમિયાન નિયત સમયમાં ચકાસણી મુદ્રાંકન ન કરાવનાર એવા ૧ પેટ્રોલ પંપ, ૧ વે-બ્રીજ, ૮ મીઠાઇ-ફરસાણના વેપારી, ૧ શોપીંગ મોલ, ૧ હોટલ, ૧૦ શાકભાજી ફેરીયા, ૨૨ સોની વેપારી તેમજ ૧૨ અન્ય પરચુરણ વેપારી ઉપર તોલમાપ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાયું છે.