– બોટાદમાં તિરંગા યાત્રામાં 78 ફૂટના તિરંગા સાથે લોકો જોડાયા, ગારિયાધાર, વલ્લભીપુર સહિત ઠેરઠેર તિરંગા યાત્રા નિકળી
– જિલ્લાની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ અને વિવિધ ગામોની આંગણવાડીમાં તિરંગાની થીમ સાથે વાનગીઓ બનાવાઈ : ગઢડામાં એસટીના મુસાફરોને તિરંગાનું વિતરણ
ભાવનગરના સરદાર યુવા મંડળ દ્વારા નજીકના માળનાથના ડુંગરમાં બહેનો માટેનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો. આ ટ્રેકિંગ દરમિયાન ડુંગર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે અમદાવાદ યુનિટના પોલીસ અધિક્ષક બલરામ મીણાના નેતૃત્વ હેઠળ ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે કુંભારવાડાની બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા નં.૧ ખાતે ચિત્ર તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ૪૦ છાત્રએ ચિત્ર સ્પર્ધામાં અને ૮ છાત્રએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતિય નંબર મેળવનારને ઈનામ અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરાયા હતા.
ગારિયાધારમાં અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં અંદાજિત ૩ હજાર લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. ગારિયાધારની તમામ ગ્રામ પંચાયતોમાં હર ઘર તિરંગા અંતર્ગત નશામુક્ત ભારત અંગેની રંગોળીઓ ગ્રામ પંચાયત તથા શાળાઓમાં કરવામાં આવી હતી. જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલ્લભીપુર તાલુકામાં ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. પાલિતાણા તાલુકાના ઠાડચ ગામની કિશોરીઓએ તિરંગાની થીમને લઈને વિવિધ વાનગીઓ બનાવી દેશ પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરી હતી. આમ, રસોઈકળામાં પણ રાષ્ટ્રભક્તિ ઝળકી હતી. ઠળિયામાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. મહુવાના ભાદ્રોડ ગામે તિરંગા યાત્રા નિકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં શાળાના બાળકો, આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા.
પાલિતાણા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકાથી બાપા સીતારામ ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેપારીઓ દ્વારા રસ્તા પર ફૂલ પાંદડીઓથી તિરંગા યાત્રાને વધાવવામાં આવી હતી.
પાલિતાણા તાલુકાના નવાગામ, નેસડી, મોખડકા, નોંઘણવદર અને વડિયા ગામની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓએ હર ઘર તિરંગા અભિયાનની થીમ આધારિત પુલાવ, ભેળ, પૂરી, બરફીની વિવિધ વાનગીઓ બનાવી બાળકોને પીરસી હતી.
જિલ્લા મથક બોટાદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે હર ઘર તિરંગા અભિયાન હેઠળ બોટાદ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા હવેલી ચોક, પંડિત દીનદયાળ ચોક, ટાવર રોડ, મહિલા મંડળ થઈને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે સંપન્ન થઈ હતી. તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ૭૮ ફૂટના તિરંગા સાથે જોડાયા હતા. આ યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ સહિત ૪૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. બોટાદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ આઝાદીના જશ્નમાં સહભાગી બન્યા છે. બોટાદ તાલુકાના ચકમપર, નાગલપર, તુરખા સહિતના ગામોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. બોટાદમાં તિરંગા યાત્રામાં દાઉદી વ્હોરા સમાજના ઈઝી સ્કાઉટ બેન્ડ દ્વારા નેશન ફર્સ્ટની થીમ આધારિત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ગઢડા (સ્વામિના)માં એસટી. બસ સ્ટેન્ડ દેશભક્તિના રંગે રંગાયું છે. ગઢડા ડેપો ખાતે તિરંગો લહેરાવાયો હતો ઉપરાંત, બસમાં મુસાફરી કરનાર નાગરિકોને પણ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.