– જુદા જુદા કામના ચાર ઠરાવને બહાલી અપાશે : વિપક્ષ કોંગ્રેસ શાસકને ઘેરશે
– અધેવાડા ટી.પી.સ્કીમનો રીઝર્વ પ્લોટ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરવવા વેરિએશન કરવાની શરતે ડ્રેનેજ વિભાગને ફાળવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી અપાશે
ભાવનગર મહાપાલિકાના હોલ ખાતે આગામી તા. ર૮ ઓગસ્ટને બુધવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળશે.જેમાં ૧૫માં નાણાપંચની વર્ષ ૨૦૨૨-૨૩ની બીજા હપ્તાની અનટાઈડ ગ્રાન્ટની રકમ રૂ.૫,૪૫,૨૬,૬૩૪ ગત તા. ૩૧ માર્ચ,૨૦૨૪ની વિગતે ભાવનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ છે. જે ગ્રાન્ટમાંથી શહેરમાં વિવિધ સ્મશાન-કબ્રસ્તાનમાં માળખાકીય સુવિધાનું કામ, કોમ્પ્યુટર વિભાગના વિવિધ કામો, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વિવિધ કામો, ગાર્ડના વિભાગના કામોમળી કુલ સાત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવશે. તો, અધેવાડા ટી.પી.સ્કીમ નં. ૭(અધેવાડા) ના ૭૨૪૩ ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતાં એફ.પી.નં.૬૬ રહેણાંક વેચાણનાં હેતુ માટે રીઝર્વ પ્લોટમાં ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે સ્ટોર બનાવવા માંગણી કરી છે. જે મુજબ આ પ્લોટ ડ્રેનેજ વિભાગને ડીપાર્ટમેન્ટ સ્ટોર બનાવવા માટે હેતુફેર થતો હોય આ પ્લોટ સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરવવા વેરીએશન કરવાની શરતે ડ્રેનેજ વિભાગને ફાળવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.જ્યારે,મનપાના એક સફાઈ કામદારનુ ચાલુ નોકરી દરમિયાન અવસાન થયું હોવાથી તેના વારસદારને પ્રવર્તમાન નીતિ અનુસાર પાંચ વર્ષત ફિકસ પગારથી સફાઈ કામદાર તરીકે રહેમરાહે નિમણૂક આપવા નિર્ણય કરાશે. જો કે, આ સભામાં ગત સભાની જેમ મહાપાલિકાની સાધારણ સભામાં પડતર કામના પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો સવાલ ઉઠાવી શાસક ભાજપને ઘેરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.