ભુજમાં ઐતિહાસિક વિરાસતની જમીનમાં ઘૂસણખોરીનો આક્ષેપ
સર્વે નં.૧૨૩-૧૨૪માં હદ માપણી કરીને સેઢા બાઉન્ડ્રી નક્કી કરવા નાયબ કલેક્ટરે સિટી સર્વે કચેરીને હુકમ કર્યોે
ભુજ: ભુજ શહેરના માંડવી ઓકટ્રોય પાસે રોડ ટચ ઐતિહાસિક વિરાસતને અડીને મોકાસરની કરોડોની જમીનમાં ચાલી રહેલા બાંધકામને પગલે નાયબ કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. સર્વે નંબર ૧૨૩ અને ૧૨૪ જુના વખતના ટિપ્પણ મુજબ હદ માપણી નક્કી કરી સેઢા બાઉન્ડ્રી નકકી કરવામાં આવે તે સહિતની તપાસ કરવા સિટી સર્વે સુપ્રિન્ટેડેન્ટને લેખિતમાં હુકમ કર્યો છે. એટલું જ નહિં, આ જગ્યાએ બાંધકામ અટકાવી દેવા પણ સિટી સર્વે કચેરીને હુકમ કરાયો છે. દોઢ દાયકા પૂર્વે વેંચાણ થયા બાદ થોડા મહિના પૂર્વે બિલ્ડરો દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં રણજીત વિલાસ પેલેસની જમીનમાં પણ બિલ્ડરો દ્વારા કોમર્શીયલ બાંધકામ કરી બિલ્ડરો દ્વારા રજવાડાની જમીન પચાવી પાડવામાં આવી રહી હોવાની અરજી કરાઈ હતી જે અરજીના પગલે આ જગ્યાએ થતાં કોમર્શીયલ બાંધકામને અટકાવી દેવા હુકમ કરવામાં આવ્યો છે.
ભુજ શહેરના રે.સ.નં. ૧૨૩ની કુલ જમીન એકર ૧૯.૦૫ ગુંઠામાંથી અલગ અલગ વેંચાણ દસ્તાવેજોથી કુલ અંદાજીત એ.૮-૦૦ ગુંઠા જમીન હાલ સુધી વેંચાઈ છે. ત્યારે, બાકી રહેતી જમીન કે જે રાષ્ટ્રીય વારસાના સ્મારક સમાન રણજીત વિલાસ પેલેસ(મહેલ) તરીકે સુપ્રસિધ્ધ છે તેની છે. આ જમીનની આજુબાજુ પણ ખોદકામ તથા બાંધકામ ચાલુમાં હોવાથી અરજદાર કુંવર ઈન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા તે મહારાણી પ્રિતીદેવી ઓફ કચ્છ વતી કલેકટર સમક્ષ અરજી કરી હતી કે, તેઓની કઈ જમીન બાંધકામ હેઠળ છે. તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમણે બાંધકામ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જેના પગલે નાયબ કલેક્ટર ભુજ એ.બી.જાદવ દ્વારા આ પ્રકરણમાં કેટલીક બાબતો તપાસવા આદેશ કર્યા છે.
આ અંગે કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ જગ્યાએ ચો.મી.ના ભાવ એકથી દોઢ લાખ છે. પરંતુ દોઢ વર્ષ પૂર્વે થયેલા જમીન વેંચાણ બાદ બિલ્ડરે રણજીત વિલાસ પેલેસની ૫ હજાર ચો.મી. જમીન પચાવી પાડી છે. આ જમીન પર બાંધકામ કરવાનું શરૂ કર્યું છે. ૭૨ હજાર ચો.મી. જમીનનું વેંચાણ થયું છે પરંતુ કબ્જો ૭૭ હજાર ચો.મી. ઉપર મેળવી લીધો છે. એટલું જ નહિં, નાયબ કલેક્ટરને સતા જ નથી, હુકમ જ ખોટો છે. બિલ્ડર દ્વારા દસ્તાવેેજ છુપાવવાના કેમ પ્રયાસો થાય છે. આજરોજ બિલ્ડરને પંચનામા માટે સિટી સર્વે કચેરી દ્વારા બોલાવાયા હતા પરંતુ ેતઓ ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહિં, ખુણાવાળી સરકારી જમીનને પણ પચાવી પાડવાના પ્રયાસો થયા છે.
૮-૧૦ લાખના દસ્તાવેજ બનાવી ૨૦ કરોડ સ્ટેમ્પ ડયુટીની ચોરી થયાની પણ રજૂઆત
ભુજ શહેરમાં ભુજના કોલેજ રોડ પર આવેલા રણજીત વિલાસ પાસેની જમીનને ભુજ- મુંબઈના વચેટીયા જમીન દલાલો મારફતે કોમર્શીયલ હેતુ માટે પધરાવી દેવામાં આવી છે. જેમાં, એવા પણ આક્ષેપ છે કે, બિન ખેતીના ધારાધોરણે કોરાણે મુકી દેવાયા છે. એક એવો પણ આક્ષેપ છે કે, ૧૦૦ કરોડથી વધુની રકમનું પ્રિમીયમ સરકારનું ચાઉંં કરી દેવામાં આવ્યું છે. દસ્તાવેજ આઠથી દસ લાખના બનાવી અને ૨૦ કરોડ જેટલી રકમ સ્ટેમ્પ ડયુટીની ચાઉં કરવામાં આવી છે. મુંબઈના બિલ્ડર્સ દ્વારા મોટાપાયે કોમર્શિયલ બાંધકામ નિયમ વિરૂધ્ધ કરવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક સ્મારકની આસપાસ ચોતરફ થતો બાંધકામ સામે સવાલો ઉઠાવાયા છે. આ બાબતે કલેક્ટર કચેરીએ રજુઆતો કરાઈ છે.
સિટી સર્વે કચેરી આ બાબતોની તપાસ કરશે
– સ્થાનિક સર્વે નં.૧૨૩-૧૨૪ જુના વખતના ટિપ્પણ મુજબ હદ માપણી કરી સેઢા- બાઉન્ડ્રી નક્કી કરાય.
– સ્થાનિકે બાકી રહેલી કુલ જમીન એ.૧૧-૦૫ ગુ.નો.અરજદારના ખર્ચે નવો નકશો, માપણી શીટ બનાવી આપવામાં આવે તથા એટલી જમીનનો અરજદારને અહિંના તાબાના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરી, અરજદારની જમીનની હદ નિશાન નક્કી કરવામાં આવે તથા પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે.
– તેઓના રહેઠાણના રાષ્ટ્રીય વારસાના સ્મારક સમાન રણજીત વિલાસ પેલેસ(મહેલ) ના જુના વખતના બાંધકામ, તેના કુદરતી સૌંદર્ય તથા તેની જીવસૃષ્ટિની સુરક્ષા નક્કી ન થાય ત્યાં સુધી આ જમીનની આસપાસમાં તથા સરકારી માલિકીની જમીનોમાં રહેલા ખોદકામ, બાંધકામ સર્ગગ્રાહી રીતે અટકાવી દેવામાં આવે તે મતલબનો મનાઈ હુકમ ફરમાવવા વિનંતી.