Surat News : સુરત શહેરમાં વરસાદ બાદ અનેક રસ્તા બિસ્માર થયાં છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ પાલિકા હજી આ તમામ રસ્તા રીપેર કરી શકી નથી. તો બીજી તરફ 6 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી સુરતના ઈન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમમાં આવવાના હોય પાલિકાએ મુખ્યમંત્રીના રૂટ તથા ઇન્ડોર સ્ટેડિયમની આસપાસના રસ્તા ચકાચક કરી દીધા છે. આજે પાલિકાએ ઈન્દોર સ્ટેડિયમ બહાર કામદારોની લાઈન લગાવી દીધી હતી. જ્યારે બીજી તરફ હજારો લોકોની અવર જવર અને સંખ્યાબંધ એબ્યુલન્સ પસાર થાય તેવા સિવિલની બાજુના રસ્તા અત્યંત બિસ્માર હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આવી જ રીતે શહેરના અનેક રસ્તાઓ પણ બિસ્માર છે તેને રીપેર કરવા માટે પાલિકા પ્રાથમિકતા આપતી ન હોવાથી લોકોમાં દિવસેને દિવસે રોષ વધી રહ્યો છે.
સુરત પાલિકા વિસ્તારમાં રસ્તામાં ચાલતા કટકી કૌભાંડના કારણે પાલિકાના મોટાભાગના રસ્તા ચોમાસા દરમિયાન તૂટી ગયાં છે. સંખ્યાબંધ રસ્તા ગેરંટી પિરીયડમાં તુટ્યા હોવા છતાં અધિકારી-રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરની મીલી ભગત હોવાથી હજી સુધી એક પણ એજન્સીને બ્લેક લિસ્ટ કરવી કે આકરા પગલાં ભરવા જેવી કામગીરી પાલિકાએ કરી નથી. પાલિકાના અનેક વિસ્તારમાં રસ્તા બિસ્માર છે તેને રિપેર કરવાનો પાલિકા દાવો તો કરે છે પરંતુ આ રસ્તા રીપેરીંગમાં વેઠ ઉતારી હોવાથી પાલિકાના પૈસા વેડફાઇ રહ્યાં છે.
સુરતના અનેક રસ્તાઓ તૂટી ગયાં છે તેમાં પણ મેટ્રોની આસપાસના રસ્તા લોકો માટે આફતરૂપ બની રહ્યાં છે પરંતુ પાલિકા તંત્ર અને પાલિકાની ચૂંટાયેલી પાંખ તમાશો જોઈ રહી છે. શહેરના મોટાભાગના રસ્તા પર ખાડા હોવાથી વાહન ચાલકોના વાહનો અને ચાલક બન્નેને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે મરણીયા બન્યા છે તેનો ભોગ સ્થાનિક કાર્યકરો બની રહ્યા છે. પરંતુ શાસકોના પેટનું પાણી હાલતું નથી.
તેવામાં બે દિવસ બાદ 6 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના (સી.એમ.) ચીફ મિનિસ્ટર ભુપેન્દ્ર પટેલ સુરતના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યાં છે. તેના કારણે પાલિકાએ રસ્તા રીપેરીંગનું બધું ધ્યાન સી.એમ.ના રૂટ પર કેન્દ્રિત કરી દીધું છે. ઈન્ડોર સ્ટેડિયમ બહાર ડ્રેનેજના ઢાંકણ નજીવા ઉંચા હતા તેને તોડીને નવેસરથી લેવલીંગ કરી ઢાંકણા બનાવી દેવામા આવ્યા છે. એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રીના રૂટ અને ઇન્ડોર સ્ટેડિયમની આસપાસના રસ્તા ચકાચક કરી દીધા છે.
હાલમાં સૌથી વધુ ખરાબ રસ્તા સુરતની નવી સિવિલની બાજુમાંથી પસાર થતો અને એલબી તરફ જતો રસ્તો સૌથી બિસ્માર રસ્તો છે. આ રસ્તા પર ઠેકઠેકાણે નાના-મોટા ખાડા છે તેથી વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. આ રસ્તા પરથી રોજ સંખ્યા બંધ એમ્બ્યુલ્નસ પસાર થાય છે તેમાં બેઠેલા દર્દી અને સગાની હાલત આ ખાડાના કારણે ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિ છતાં પણ આ રસ્તા રીપેર કરવા માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
ઇન્ડોર સ્ટેડિયમની આસપાસના ડ્રેનેજના ઢાંકણા સમતળ કરી દેવામાં આવ્યા છે પરંતુ સુરતના અનેક વિસ્તારમાં જમીનથી ઉંચા કે નીચા અનેક ડ્રેનેજના ઢાંકણા છે તેના કારણે રોજ અકસ્માત થાય છે અથવા તો વાહન ચાલકોને નુકસાન થાય છે. તેવા ઢાંકણા રીપેર કરવાની પાલિકા પાસે ફુરસદ નથી. ગુજરાતના સીએમ ( ચીફ મિનિસ્ટર) માટેના રસ્તા ટકાટક પણ સીએમ (કોમન મેન) માટેના રસ્તા બિસ્માર હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે. જેવી રીતે ઈન્ડોર સ્ટેડિયમના રસ્તા બે દિવસમાં ચકાચક થઈ ગયાં તેવી જ રીતે લોકો માટે પણ યુદ્ધના ધોરણે રસ્તા રીપેર કરાવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.