Surat Corporator Bribe Case : સુરત શહેરના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા બાદ સુરત પાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આપનું મિલે સુર મેરા તુમ્હારા જેવો ઘાટ છે બધા શુસાસન, પ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસની વાત કરે છે પરંતુ અત્યાર સુધીમાં ત્રણેય પક્ષના કોર્પોરેટરો અને નેતાઓ લાંચ કેસમાં જેલના સળીયા ગણી ચુક્યા છે. આ તો સુરતમાં લાંચ લઈ અને કાયદાની ઝપેટમાં ન આવેલા કોર્પોરેટર, રાજકારણીઓની સંખ્યા અનેક ગણી છે. તેમ છતાં પણ સુરતમાં છેલ્લા સાત વર્ષમાં ત્રણેય પક્ષના કોર્પોરેટર લાંચ લેવામાં કોઈ છોછ રાખતા નથી તે સાબિત થઈ ગયું છે.
સુરત પાલિકાની ચૂંટણીમાં એક સાથે 27 કોર્પોરેટર જીતીને પાલિકામાં વિપક્ષમાં બેસનાર કટ્ટર ઈમાનદાર પાર્ટી આપના કોર્પોરેટરોની કરતુતના કારણે આબરૂના ધજાગરા ઉડી રહ્યાં છે. આપના કોર્પોરેટરો સામે લાંચ લેવાના અનેક આક્ષેપ થઈ રહ્યો છે પરંતુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે દસ લાખની લાંચ કેસમાં એસીબીએ આપના વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે અને બીજા કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા ફરાર થઈ ગયાં છે. આ કિસ્સા સાથે જ સુરતના કોર્પોરેટરો ભલે જુદા-જુદા પક્ષના હોય છે પરંતુ લાંચ લેવામાં બધા એક સરખા છે તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે.
સુરત પાલિકામાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં કોર્પોરેટર, કોર્પોરેટરના પતિ, પિતા અને ભાઈ સહિત અનેક લોકો એસીબીની ઝપેટમાં ઝડપાઈ ગયાં છે. 2018માં લિંબાયત ઝોન વિસ્તારમાં મીના રાઠોડ અને તેના પતિ દિનેશ રાઠોડે ગેરકાયદે બાંધકામ માટે પાંચ લાખની લાંચ માગી હતી અને પોલીસમાં પકડાયા હતા, આ પ્રકરણના માત્ર છ મહિના બાદ એટલે ઓગસ્ટ 2018માં સેન્ટ્રલ ઝોનમાં ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઈ અને પિતાએ ગેરકાયદે બાંધકામ માટે 55 હજારની લાંચ માંગી હતી. તેઓ પણ રંગે હાથ ઝડપાયા હતા
ફેબ્રુઆરી 2019માં રહેણાંક વિસ્તારમાં ક્લીનીકના બાંધકામ માટે ભાજપના જ સમર્થક તબીબ પાસેથી ભાજપના વોર્ડ નંબર-8 ના કોર્પોરેટર જેન્તી ભંડેરીએ 50 હજારની લાંચ લીધી હતી અને તે એસીબીના હાથે ઝડપાઈ ગયાં હતા. આ ઘટનાના 21 દિવસ બાદ ઉધના ઝોનના લીલા સોનવણેના પુત્રએ કોર્પોરેટરની ઓફિસમાં જ 15 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2019માં કોગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ અને તેમના પતિ પલ્કેસ પટેલ 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલ પણ 15 હજારની લાંચ કેસમાં એસીબીમાં ઝડપાયા હતા.
જોકે 2019થી 2024ની વચ્ચે અનેક કોર્પોરેટરોએ ગેરકાયદે બાંધકામ, કોન્ટ્રાક્ટર કે અન્ય કામગીરી માટે લાંચ લીધી હોવાની અનેક ફરિયાદ છે પરંતુ હેરાનગતિના ડરથી લોકો કે કોન્ટ્રાક્ટરો ફરિયાદ કરતા હતા. પરંતુ પહેલા 15 હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લાંચ લેવાતી હતી પરંતુ હવે લાંચની રકમ કોર્પોરેટરોએ અનેક ગણી વધારી દીધી હતી અને પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 11 લાખ રૂપિયાની માંગણી કરતા ફરી એક વખત કોન્ટ્રાક્ટરે વોઇસ રેકોર્ડિંગ તથા અન્ય પુરાવા સાથે એબીસીમાં ફરિયાદ કરી છે. જેના કારણે આપ ના બે કોર્પોરેટરો એસીબીની ઝપેટમાં આવ્યા છે. જોકે, રાજકારણીઓમાં લાંચ માટે વર્ષ 2001માં સૌથી પહેલા સુડા ચેરમેન અરવિંદ ગોદીવાલા પાંચ લાખની લાંચના છટકામાં પકડાયા હતા. ત્યારબાદ ભાજપના સિનિયર કોર્પોરેટર વિણા જોશી પણ લાંચ કેસમાં ઝડપાયા હતા.
આમ અત્યાર સુધી સુરત પાલિકામાં શાસક-વિપક્ષમાં બેઠેલા ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના કોર્પોરટેરોના પક્ષ એક છે પરંતુ પૈસા કમાવવા માટે લાંચમાં તેઓ એક બની ગયાં છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
લાંચ કેસમાંઝડપાયેલા
કોર્પોરેટર-સગા
લાંચની રકમ
ઝડપાયાની તારીખ
મીના દિનેશ રાઠોડ (કોર્પોરેટર)
દિનેશભાઈ રાઠોડ (કોર્પોરેટરનો પતિ)
પાંચ લાખ
23-2-2018
નેન્સી મોહનભાઈ સુમરા,
(કોર્પોરેટર)
મોહન સુમરા, કોર્પોરેટરના પિતા
પ્રિન્સ મોહન સુમરા,
કોર્પોરેટરનો ભાઈ
55000
22-58-2018
જેન્તી ડાહ્યા ભંડેરી (કોર્પોરેટર)
50000
6-2-2019
કૃણાલ સોનવણે, (કોર્પોરેટર
લીલાબેનના પુત્ર)
ભટતું આધારભાઈ પાટીલ
15000
27-2-2019
કપિલા પટેલ (કોર્પોરેટર)
પલકેસ પટેલ (કોર્પોરેટરના
પતિ)
50000
11-12-2019
સતીષ ચંપક પટેલ (કોર્પોરેટર)
15000
13-8-2019
વિપુલ સુહાગીયા (કોર્પોરેટર)
જીતેન્દ્ર કાછડીયા (કોર્પોરેટર)
10 લાખ
2-9-2024