ગણેશ મહોત્સવ સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં’ય તંત્ર મોડું પડયું નક્કી કરેલાં સ્થળો સિવાય અન્યત્ર મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં
પોરબંદર, : પોરબંદરમાં ગણેશ મહોત્સવ અનુસંધાને જાહેરનામુ બહાર પડયુ છે, જેમાં લોકોને તંત્ર દ્વારા નિયત કરાયેલાં સ્થળે જ મૂર્તિ વિસર્જન કરવા જણાવાયું છે. આ ઉપરાંત, મૂતની બનાવટમાં પી.ઓ.પી. તથા કેમિકલયુકત રંગોનો ઉપયોગ નહી કરવા સૂચના આપવામાં આવી છે. બાપ્પાની મૂર્તિઓ તો ગણેશોત્સવના છેક મહિના- બે મહિના પહેલાંથી બનાવાતી હોય છે ત્યારે તંત્ર અન્ય કેટલાંક સરકારી કામોની જેમ જાહેરનામું બહાર પાડવામાં પણ મોડું પડયું હોવાની રમૂજ ફેલાઈ રહી છે.
પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુ માટે સાવચેતીના પગલા લેવા જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી. ધાનાણીએ આ જાહેરનામું બહાર પાડીને કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમકે, મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહી તથા કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવામાં ન આવે તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસુ હાલમાં ન મૂકવી. મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તથા કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહી. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હ કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નકકી કરેલ વિસર્જન સ્થળો તથા લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળો સિવાય અન્ય જગ્યાએ મૂર્તિઓનું વિસર્જન કરવું નહી. શ્રી ગણેશ વિસર્જન માટે પૂર્વ મંજુરી લેવાની રહેશે અને પરંપરાગત અને મંજુરીમાં લખવામાં આવેલ રૂટ ઉપર જ જવાનું રહેશે. ગણેશ ઉત્સવ અન્વયે ગણેશજીની મૂર્તિ વિસર્જન અનુસંધાને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તેમજ ગુજરાત સરકારના ફોરેસ્ટ અને એન્વાર્યમેન્ટ ડિપાર્ટમેન્ટની રીવાઇઝડ ગાઇડલાઇન ફોર આઇડલ ઇમર્શનના હુકમ મુજબની ગાઈડલાઈનની અમલવારી કરવાની રહેશે.
કોઈ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમા પી.ઓ.પી. ભઠ્ઠીમાં સુકેલી,ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટીક રસાયણ કે કેમિકલ્સ, ડાયયુક્ત રંગોની ઉપયોગ કરેલી મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે કે વેંચાણના સમયે જપ્ત કરવામા આવશે. આ જાહેરનામું તા. 18 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.