– સલમાનનો પોલીસ ગણવેશમાં ફોટો વાયરલ
– જોકે, સલમાન,અજય કે રોહિત શેટ્ટી દ્વારા આ અફવા વિશે કોઈ ખુલાસો નહિ
મુંબઈ : અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’માં બીજા કલાકારોના કાફલા સાથે સલમાન ખાનનો પણ કેમિયો હોવાની વાત વહેતી થઈ છે. સલમાન ખાનનો પોલીસ ડ્રેસમાં એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં તેની સાથે અજય દેગવણ પણ પોલીસ ઓફિસર તરીકે દેખાય છે. તે પરથી ચાહકો એવી અટકળ લગાવી રહ્યા છે કે ‘સિંઘમ અગેઈન’માં સલમાન કદાચ ચુલબુલ પાંડે તરીકે એન્ટ્રી કરી શકે છે.
જોકે, અજય દેવગણ, સલમાન ખાન કે પછી ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ મોડે સુધી આ અફવા વિશે કોઈ ફોડ પાડયો ન હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીએ ક્યારેય સલમાન ખાન સાથે કામ કર્યું નથી. જોકે, તેણે અગાઉ અનેક વખત ઈચ્છા પ્રગટ કરી છે કે પોતે સલમાન સાથે ફિલ્મ કરવા માગે છે.
‘સિંઘમ અગેઈન’માં આ વખતે કલાકારોનો શંભુમેેળો છે. અજય દેવગણની મુખ્ય ભૂમિકા ઉપરાંત તેમાં રણવીર સિંહ, દીપિકા પદુકોણ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર સહિતના કેટલાય કલાકારોનો કેમિયો હશે.
સલમાન એક સિદ્ધાંત તરીકે એવો નિયમ લઈ ચૂક્યો છે કે પોતે હવે ક્યારેય માત્ર સંબંધ ખાતર કોઈ ફિલ્મમાં કેમિયો નહિ કરે .પરંતુ, તે પોતે જ પોતાના નિયમને બાજુ પર મૂકી રહ્યો હોવાનું જણાય છે.