મુંબઈ : એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેકસમાં વેઈટેજની દ્રષ્ટિએ ચીનને પાછળ મૂકી ભારતે પહેલી જ વખત ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ચીનના સ્ટોકસનું વેઈટેજ ઘટી ૨૧.૫૮ ટકા પર આવી ગયું છે જ્યારે ભારતીય ઈક્વિટીસનું વેઈટેજ ૨૨.૨૭ ટકા આવી ગયું છે. જો કે માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત કરતા ચીન ઘણું આગળ છે. ભારતની ૫.૦૩ ટ્રિલિયનડોલરની માર્કેટ કેપ સામે ચીનની માર્કેટ કેપ ૮.૧૪ ટ્રિલિયન ડોલર છે, જે ૬૦ ટકા વધુ છે. એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેકસમાં ભારતનું વેઈટેજ વધતા ભારતની કંપનીઓમાં વિદેશી રોકાણમાં વધારો થવાની શકયતા હોવાનું મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેકસમાં લાર્જ કેપ્સ ઉપરાંત મિડ તથા સ્મોલ કેપ્સ સ્ટોકસનો સમાવેશ કરવામાં આવે છે.
ચીનના સ્ટોકસની લાંબા ગાળાની નબળી કામગીરીને ધ્યાનમાં રાખી એમએસસીઆઈ છેલ્લા બે વર્ષથી પોતાના ઈન્ડાઈસિસમાંથી ચીનના સ્ટોકસની સંખ્યા ઘટાડી રહ્યું છે.
એમએસસીઆઈ ઈન્ડાઈસિસમાં ભારતીય ઈક્વિટીસનું મહત્વ વધી રહ્યું છે. ગયા સપ્તાહમાં ભારતના સાત સ્ટોકસનું એમએસસીઆઈ ઈએમમાં ઉમેરો થયો હતો જ્યારે ચીનના ૬૦ નામો પર કાતર ફરી વળી હતી.
આ રિબેલેન્સિંગને કારણે ઈક્વિટી બજારોના ટ્રેન્ડસનો અંદાજ મળી રહ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ચીન આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતમાં બૃહદ્આર્થિક સ્થિતિ સાનુકૂળ બની રહી છે.
એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેકસમાં વેઈટેજની દ્રષ્ટિએ ભારત તથા ચીન બાદ તાઈવાન, દક્ષિણ કોરિઆ તથા બ્રાઝિલનો ક્રમ આવે છે.