– ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં 16 અને શિવાજી સર્કલ ખાતે 19 વાહન મુકાશે
– રિટર્નમાં ટ્રાફિક વધે તો વધારાના સ્ટાફને તાત્કાલિક ધાવડી માતાના બુથ ઉપર મોકલવા આયોજન, બુથ મેનેજર-સુપરવાઈઝર સ્ટાફની વ્યવસ્થા કરાઈ
આગામી તા.૮-૯ને રવિવારે નિષ્કલંક મહાદેવ ખાતે ઋષિ પાંચમનો મેળો ભરાશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો નિષ્કલંક મહાદેવજીના દર્શન અને સમુદ્રસ્નાન માટે આવનાર હોય, શ્રધ્ધાળુઓને વાહનની સુવિધા મળી રહે તે માટે ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેલી સવારથી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી એસ.ટી.ની બસો દોડાવાનું આયોજન કરાયું છે. ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ઉપરાંત શિવાજી સર્કલ (ઘોઘાજકાતનાકા)થી વિભાગના જુદા-જુદા આઠ ડેપોના કુલ ૩૫ મિની બસ, જરૂર જણાય તો ડીલક્ષ વાહનો દોડશે. નાગરિકોને એસ.ટી. બસની પુરતી સુવિધા મળી રહે તે માટે ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ૧૬ અને શિવાજી સર્કલ ખાતે ૧૯ વાહન મુકવામાં આવશે. આ અંગે વિભાગીય નિયામક માત્રોજાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગર ડેપોથી કોળિયાક અને ઘોઘાજકાતનાકાથી હોઈદડ બુથ પર બુથ મેનેજરોને તેમજ અલગ-અલગ પોઈન્ટ પર સુપરવાઈઝર સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવીછે. પોલીસ વિભાગને ક્રેઈનની જરૂર પડે તો તેમની સાથે રહી કાર્યવાહી કરવા કોળિયાક ખાતે ક્રેઈનને સ્ટેન્ડબાય ઉપર રાખવામાં આવશે. વધુમાં મેળા માટે વાહનોની ફાળવણી માટે જરૂર જણાય તો ઓછી આવક ધરાવતા શેડયુલ બંધ રાખવા જે-તે વિભાગને જણાવી દેવાયું છે. તમામ વાહનોમાં ડ્રાઈવર અને કંડક્ટરોનો ક્રુ રહેશે અને રિટર્નમાં ટ્રાફિકનું પ્રમાણ વધવાના સંજોગોમાં ભાવનગર તેમજ ઘોઘાજકાતનાકા સ્ટેન્ડ પર રાખેલા વધારાના સ્ટાફને તાત્કાલિક નિષ્કલંક મહાદેવ (ધાવડી માતાના) બુથ ઉપર મોકલવાની જવાબદારી ફેર ઈન્ચાર્જ ડેપો મેનેજર-ભાવનગરને સોંપવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
વાહન છોડી જનાર કર્મી સામે ખાતાકીય કાર્યવાહી થશે
કોળિયાકના ઋષિ પાંચમના મેળા માટે એસ.ટી. વિભાગે ક્રુની ફાળવણી અને ફરજની વ્યવસ્થા ગોઠવી છે. દરેક કેન્દ્ર વ્યવસ્થાપકે વિભાગીય કચેરીને મેળામાં મોકલવાના વાહનોના નંબર, ક્રુના નામ અને મોબાઈલ નંબર મોકલવા તાકીદ કરી છે. આ ઉપરાંત કોઈ કર્મચારી મનસ્વી રીતે વાહન છોડીને જતા રહે તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવા તેમજ બીજો સ્ટાફ હાજર ન થાય ત્યાં સુધી હાજર ક્રુએ વાહન ન છોડવાના આદેશ પણ કર્યા છે.