Yograj Singh On Arjun Tendulkar: યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે હાલમાં આપેલા અનેક નિવેદનોને લઈને વિવાદોમાં રહ્યા છે. પરંતુ હવે તેમણે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને લઈને એક નિવેદન કર્યું છે. યોગરાજ સિંહને અર્જુનના ભવિષ્યને લઈને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે આપેલો જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. અર્જુન તેંડુલકરને લઈને તેમણે કેટલાક એવા શબ્દો કહ્યા હતા, કે જેને લઈને ક્રિકેટ ચાહકો ખુશ નથી. અગાઉ યોગરાજ સિંહ અર્જુન તેંડુલકરને ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન યોગરાજ સિંહને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘અર્જુન તેંડુલકર તમારી પાસે ટ્રેનિંગ માટે આવ્યો હતો. તમે તેનું ભવિષ્ય કેવું જુઓ છો?’ યોગરાજે આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ” શુ તમે કોલસાની ખાણમાં હીરો જોયા છે? તે કોલસો છે, જો તમે બહાર કાઢશો તો તે એક પથ્થર છે, અને કોઈ શિલ્પકારના હાથમાં મૂકશો તો દુનિયાને ચમકતો કોહિનૂર મળી જશે,આ અમૂલ્ય છે.’
પોતાની વાતને આગળ વધારતા તેમણે જણાવ્યું હતું કે, ‘પરંતુ જો તે હીરો કોઈ એવી વ્યક્તિ પાસે પહોંચી જાય કે જે તેની કિંમત જ જાણતો નથી, તો તે તેનો નાશ કરી દેશે. હું પોતે નથી કહેતો કે યોગરાજ સિંહ એક મહાન કારીગર છે. યુવરાજ સિંહ કહે છે, ‘મારા પિતાના હાથમાં જાદુ છે, આજે હું જે કઈ પણ છું, તેમણે જ મને બનાવ્યો છે.’
તમને જણાવી દઈએ કે યોગરાજ સિંહે અગાઉ ધોની અને કપિલ દેવને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જેને લઈને ચાહકો ખૂબ ગુસ્સે થઇ ગયા હતા. તેમણે ધોની પર યુવરાજ સિંહની કારકિર્દીને વહેલી ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય યોગરાજે કપિલ દેવ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.