Captaincy Of Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કેપ્ટનને લઈને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ઘરઆંગણે બાંગ્લાદેશ સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. આ હાર માટે બાબર આઝમના ખરાબ પ્રદર્શનને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. બાબર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે આગામી ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા સફેદ બોલ ક્રિકેટમાં પાકિસ્તાનને નવો કેપ્ટન મળી શકે છે. અને ખરાબ પ્રદર્શનને કારણે બાબર પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ શકે છે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 નવેમ્બરથી 3 વનડે અને 3 T20 મેચોની સીરિઝ શરૂ થવા જઈ રહી છે. તેણે લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એક નવા ખેલાડીને પાકિસ્તાની ટીમનો કેપ્ટન બનાવી શકે છે, જેમાં મોહમ્મદ રિઝવાનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે બાબર આઝમને હટાવીને રિઝવાનને સફેદ બોલ ક્રિકેટમાં ટીમની જવાબદારી સોંપવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર સફેદ બોલ ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને પીસીબી અધિકારીઓ સાથે વાત કરીને ટીમને રિઝવાનના રૂપમાં ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન મળે તેની ઈચ્છા વ્યક્ત કરી હતી.
છેલ્લા ઘણાં સમયથી બાબર આઝમ નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. જે કારણે તે હવે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં બાબરનું બેટ સંપૂર્ણ રીતે શાંત રહ્યું હતું. તે 2 મેચની 4 ઇનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે સતત હારના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ વચ્ચે પરસ્પર મતભેદો વધવા લાગ્યા છે. જેના કારણે પીસીબીએ મોટું પગલું ભરવું પડી શકે છે.
બાબર આઝમે ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ શાહીન આફ્રિદીને T20નો કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શનના કારણે શાહીનને T20ની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ તત્કાલિન પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ માર્ચ 2024માં બાબર આઝમને સફેદ બોલ ક્રિકેટ માટે કેપ્ટન બનાવ્યો હતો. બાબરના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમે T20 વર્લ્ડકપ 2024ના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. બાબર અત્યાર સુધી 148 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જેમાં ટીમે 84 મેચમાં ટીમે જીત મેળવી હતી. જ્યારે 50 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈમરાન ખાન પછી બાબર બીજા સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.