– ચોકે ચોકે ગણેશ ઉત્સવના પંડાલ, ચોમેર જય ગણેશનો નાદ ગૂંજી ઉઠશે
– આતશબાજી, શરણાઈ, ડી.જે. અને બેન્ડની સૂરાવલીની રમઝટ સાથે વાજતે-ગાજતે ગજાનનનું આગમન થશે
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ૧૦ દિવસનું ભાવભીનું આતિથ્ય માણવા માટે આવી પહોંચેલા ગજાનન ગણનાયકના આગમન ટાણે શ્રધ્ધાળુઓ ભાવવિભોર બનશે. અબીલ ગુલાલની છોળો વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના ગામેગામ ગણેશજીની મૂર્તિઓના સ્થાપન કરાશે. શહેરના જવાહર મેદાન સહિતના સ્થળોએ આવેલા ગણેશજીની મૂર્તિઓના સ્ટોલ ખાતે આવતીકાલ તા.૭ સપ્ટેમ્બરને શનિવારે વહેલી સવારથી જ મંગલ મુર્હૂતે બહોળી સંખ્યામાં મૂર્તિ લેવા માટે આવી પહોંચ્યા હતા. જયાં મુર્તિઓને જે તે સ્થળે લઈ જવા માટે ખાનગી કેરીયર વાહનોના ચાલકો તેમજ ઢોલ નગારાવાળાઓના સમુહ એકત્ર થઈ જવાહર મેદાનથી જે તે સાર્વજનિક સ્થળના પંડાલ સુધી વાજતે ગાજતે મૂર્તિઓને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવશે. આ ગણેશ પંડાલો હવે આગામી અનંત ચતુર્દશી સુધી આબાલવૃધ્ધ ભાવિકોથી અવરજવરથી સતત ધમધમતા રહેશે. આ સાથે ચોતરફ ગણેશમય માહોલ જામશે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ અનેક સ્થળોએ આયોજકો દ્વારા ગણેશચતુર્થીની પુર્વ સંધ્યાએ શુક્રવારે શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી. આ વર્ષે પણ સાર્વજનિક આયોજનોની સાથે પારિવારિક વ્યકિતગત ગણેશોત્સવના આયોજનનો ક્રેઝ યથાવત રહ્યો છે. જવાહર મેદાનમાંથી ઘરે ઘરે સ્થાપન કરવા માટે અસંખ્ય નાના કદની મૂર્તિઓનું પણ ધૂમ વેચાણ થયુ હતુ.
ફૂલથી લઈને મીઠાઈના વેચાણમાં ઉછાળો
ગણેશોત્સવના આરંભથી ભાવનગર શહેર અને જિલ્લામાં કુદરતી અને કુત્રિમ ફૂલ, ધજાપતાકા, તોરણ, લટકણીયા, ઝુમ્મર, આસોપાલવ, મીઠાઈ, ફરસાણ, પ્રસાદીની અવનવી વસ્તુઓ, શ્રીફળ સહિતની અઢળક ચીજવસ્તુઓના વેચાણમાં ઉછાળો નોંધાશે. આ સાથે ગણેશ પંડાલમાં મંડપ ડેકોરેશન, લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ, ગાયક કલાકાર, વાદ્યકારો, ઓરકેસ્ટ્રા, ડીજે, શરણાઈ, બ્યુટીફિકેશન, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર, થીમ બેઈઝ સુશોભન, શણગાર, કાર્યકર્તાઓના એક સમાન યુનિફોર્મ, ઈલેકટ્રોનિકસ સીરીઝ, ડેકોરેશન સહિતના વ્યવસાયમાં ઉછાળો નોંધાશે.