માણસા : માણસો તાલુકાના દેલવાડ ગામનો યુવક સાંજના સમયે ગ્રામભારતી
થી દેલવાડ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ એસટી બસના ચાલકે આ યુવકના
બાઇકને ટક્કર મારતા યુવકને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર
માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા મૃતકના
કાકાએ અકસ્માત સર્જનાર એસટી બસના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા
પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના દેલવાડ ગામે ચકલી વાળા વાસમાં રહેતો ૨૪
વર્ષીય અજીતજી રણજીતજી ઠાકોર ગ્રામભારતી ખાતે રેતીના સ્ટોક પર મજૂરી કરી પરિવારનું
ગુજરાન ચલાવે છે જેમાં ગત પાંચ તારીખે તે નિત્યક્રમ મુજબ તેનું બાઈક લઈ નોકરી પર
ગયો હતો અને સાંજે નોકરીથી પરત ઘરે દેલવાડ ગામ તરફ આવી રહ્યો હતો તે વખતે હાઇવે પર
નટરાજ હોટલની સામે પહોંચ્યો ત્યારે પાછળથી આવી રહેલ એક એસટી બસના ચાલકે પોતાનું
વાહન પુર ઝડપે ચલાવી આ યુવકના બાઈકને પાછળથી ટક્કર મારતા યુવક રોડ પર નીચે પટકાયો
હતો જેના કારણે તેને ડાબા પગે,માથાના,કપાળના ભાગે તેમજ
શરીરે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેને સારવાર માટે પ્રથમ ગાંધીનગર
અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા જ્યાં અમદાવાદ સારવાર દરમિયાન
તેનું મોત નીપજતા મૃતકના કાકાએ અકસ્માત સર્જી મોત નિપજાવનાર એસટી બસના ચાલક
વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઇ છે.