CR Patil In Rajkot : કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યા પછી પ્રથમવાર રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ પાસે મનપામાં સફાઈ કામદારોની નિયમ વિરૂદ્ધ ભરતીમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સાથે ટોળા સાથે રજૂઆત માટે આવેલા ભાજપના જ કાર્યકરને અહીંના રીંગરોડ પર શીતલપાર્ક પાસે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયની અંદર નહીં આવવા દઈને બહારથી રવાના કરી દેવાયાનું બહાર આવ્યું છે.
આ અંગે રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પારસ બેડીયાએ જણાવ્યું કે તેઓ 18 વર્ષથી ભાજપના કાર્યકર છે, પરસોતમ રૂપાલાએ ફોર્મ ભરવાનું હતું ત્યારે તેમના વિરૂદ્ધ વિરોધને પગલે સંખ્યા નહીં થવાની ભીતિ હોય મેં દોઢ-બે હજાર લોકો સાથે તેમાં હાજરી આપી હતી. આજે અમારા પક્ષના નેતા,મંત્રી આવતા હોય અને મહાપાલિકા દ્વારા 532 સફાઈ કામદારોની ભરતીમાં જેમના દાદા,દાદી,માતા-પિતા મનપામાં નોકરી કરતા હોય તેમના સંતાનો જ અરજી કરી શકે તેવો અન્યાયી નિયમ ઘુસાડયો હોય તે અંગે શાંતિપૂર્વક રજૂઆત કરવા ગયા હતા.
આ અંગેની કાર્યાલયમાં જાણ થતા જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી બહાર દોડી આવ્યા હતા અને રોષભેર જણાવ્યું હતું કે પ્રથમવાર મંત્રી બન્યા પછી પાટિલ આવતા હોય ત્યારે આ સારૂ ન લાગે, આમા મજા નહીં આવે, આજે તો રજૂઆત નહીં જ થવા દેવાય એમ કહીને બાદમાં પ્રશ્ન ઉકેલશું તેવી ખાતરી આપીને રવાના કર્યા હતા. આશરે એક હજારથી વધુ સફાઈ કામદારો તેમના પ્રશ્નને લઈને પાટિલના આગમન ટાણે ઉમટી પડતા જ હંગામો મચી ગયો હતો. દરમિયાન, શુક્રવારે સાંજે રાજકોટ આવેલા સી.આર.પાટિલ ભાજપના કાર્યાલયે જઈને કાર્યકરોને સંબોધન કર્યુ હતું પરંતુ, મિડીયાને દૂર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ બિલ્ડરો સાથેના કાર્યક્રમમાં અને જળસંચયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોતાના વિભાગના જળ તેમજ ભંગાર રસ્તા સહિતના પ્રશ્ને પ્રશ્નોત્તરી ટાળી હતી.
ભાષણો હવે બહુ થયાઃ પાટિલના ભાષણ વખતે ભાજપના નેતાઓ મોબાઈલમાં મશગૂલ
ભંગાર રસ્તા પર અથડાતા કુટાતા, ટોલટેક્સ ભરતા આવતા લોકોને તો ભાષણોમાં પહેલેથી રસ રહ્યો નથી, હવે પક્ષના કાર્યકરોનો રસ પણ ઉડી ગયો છે. રાજકોટમાં ભાજપના કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલના કાર્યક્રમમાં ઓડિટોરિયમમાં જગ્યા ન હોય, શિસ્તના ભાગ રૂપે હાજરી ફરજીયાત હોય કાર્યકરોને લાઈવ ટીવી સ્ક્રીન પાસે બેસાડયા હતા. તેની તસ્વીરમાં મોટાભાગના કાર્યકરો સ્ક્રીન સામે જોતા જ નથી અને મોબાઈલમાં મશગૂલ હોવાનું કેમેરામાં કેદ થયું હતું.