New Zealand spinner Ajaz Patel: ન્યુઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ટીમમાં સ્થાન ન મળવાને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું હતું કે, એક ઇનિંગમાં દસ વિકેટ લેવા છતાં પણ મને તક મળી રહી નથી.
સોમવારથી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે ન્યુઝીલેન્ડની ટીમ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં છે. મેચ પહેલા એજાઝે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડમાં પીચ ઝડપી ગતિને અનુરૂપ હોવાને કારણે તકો મેળવવી મુશ્કેલ છે, પરંતુ તકનો અભાવ તમને મેદાન પર જવાની અને જ્યારે પણ તક મળે ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ભૂખ પેદા કરે છે.’
એજાઝે કહ્યું કે, ‘હા, મને લાગે છે કે જો તમે ન્યૂઝીલેન્ડના તમામ સ્પિનરોને પૂછશો તો, તેઓ કહેશે કે ઘરેલું પરિસ્થિતિને કારણે ઘરઆંગણે ઘણી તકો મેળવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ મને લાગે છે કે જ્યારે તમે આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થાવ છો ત્યારે તમને સારું પ્રદર્શન કરવાની વધુ ભૂખ પેદા થાય છે. તમે પરિસ્થિતિને જાણો છો, કે પીચ સ્પિન બોલિંગને અનુકુળ છે કે નહી.’
પોતાને તક મળવાને લઈને એજાઝે જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ છે કે તેઓ બહાર જાય અને તેમની રમતમાં સુધારો કરે અને આગળ વધતા રહે. મને લાગે છે કે 10 વિકેટ લીધા પછી પણ તમને તક નહી મળતી તો હા તમે ચોક્કસપણે થોડા નિરાશ થશો, કારણ કે તમને વધુ તકો નથી મળી રહી. 10 વિકેટ લીધા બાદ મેં મારા રન-અપમાં થોડો ફેરફાર કર્યો છે. તે સુધારવા પાછળનું કારણ એ છે કે જ્યારે પણ આગામી તક મળે ત્યારે હું તૈયાર રહું. ન્યુઝીલેન્ડ માટે રમવું મારા માટે હંમેશા સૌભાગ્યની વાત છે.’
અહીં તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડના જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે સિવાય એજાઝ પટેલ એક ઇનિંગમાં દસ વિકેટ લેનાર ત્રીજો ખેલાડી છે. એજાઝે અત્યાર સુધીમાં 16 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 29.75ની સરેરાશ સાથે 62 વિકેટ લીધી છે.