– 2025ના મે સુધી ધૂળ ખંખેરાય તેમ નથી
– ફરહાન અખ્તરે પોતાની 120 બહાદૂરને અગ્રતા આપતાં રણવીર-કિયારાની ફિલ્મ લટકી પડી
મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી બહુ મોટા અને સારા પ્રોજેક્ટ માટે ફાંફા મારતા રણવીરસિંહનું નસીબ બે ડગલાં આગળને આગળ ચાલી રહ્યું છે. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના અનુગામી તરીકે તેને ‘ડોન થ્રી’માં ડોન બનવાનો મોકો મળ્યો હતો પરંતુ હવે આ ફિલ્મનું શૂટિંગ આશરે આઠથી દસ મહિના પાછળ ઠેલાઈ ગયું હોવાનું કહેવાય છે.
ફરહાન અખ્તર રણવીર તથા કિયારા અડવાણીને લઈને ‘ડોન થ્રી’ બનાવી રહ્યો છે. પરંતુ, ફરહાન અખ્તરે હાલમાં જ પોતાના નિર્માણ હેઠળની અને પોતાની જ મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘૧૨૦ બહાદૂર’ની જાહેરાત કરી છે. ફરહાને આ પ્રોજેક્ટ ખાતર રણવીરની ‘ડોન થ્રી’ને સાઈડ પર મૂકી દીધી છે. જાણકાર વર્તુળો કહે છે કે હવે કદાચ આગામી મે માસમાં જ ‘ડોન થ્રી’નું શૂટિંગ શરુ થાય તેમ છે.
રણવીર પાસે હાલ આદિત્ય ધરની એક ફિલ્મ છે. જોકે, આદિત્ય ધર પણ બહુ નિરાંતે ફિલ્મ બનાવવા માટે જાણીતો છે. આદિત્ય અગાઉ ‘અશ્વત્થામા’ જેવી ફિલ્મ એનાઉન્સ કર્યા બાદ મુલત્વી રાખી ચૂક્યો છે. તે સિવાય રણવીર પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નથી. કિયારા પાસે હૃતિક રોશન સાથેની ‘વોર ટૂ ‘ એક જ મોટી ફિલ્મ છે.