મુંબઈ : ભારતીય શેર બજારોમાં શેરોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ખરીદી અટકી ફરી વેચવાલ બનતાં અને આજે સતત બીજા દિવસે રિલાયન્સમાં ફંડોના હેમરીંગ અને બેંકિંગ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક સાથે એચસીએલ ટેકનોલોજી સહિતમાં રેલો આવતાં સેન્સેક્સ ૧૦૧૭ પોઈન્ટ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૯૩ પોઈન્ટ તણાયા હતા. અમેરિકામાં રોજગારીના આંકડા આવતાં પહેલા મંદ વૃદ્વિનો ભય વધવા લાગતાં વૈશ્વિક બજારોની સાથે શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં ફંડોએ કરેલા હેમરીંગ સાથે કેપિટલ ગુડઝ-પાવર, ઓટો, આઈટી શેરોમાં એનટીપીસી, ટાટા મોટર્સ, આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં વેચવાલીએ જોતજોતામાં સેન્સેક્સ ૮૧૦૦૦ની સપાટી ગુમાવી એક સમયે ૧૨૧૯.૨૩ પોઈન્ટના કડાકે નીચામાં ૮૦૯૮૧.૯૩ સુધી ખાબકી અંતે ૧૦૧૭.૨૩ પોઈન્ટ ગબડીને ૮૧૧૮૩.૯૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક સમયે ૩૪૩.૮૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૪૮૦૧.૩૦ સુધી આવી અંતે ૨૯૨.૯૫ પોઈન્ટ ઘટીને ૨૪૮૫૨.૧૫ બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ કડાકા સાથે સપ્તાહના અંતે સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ગભરાટમાં તેજીનો મોટો વેપાર હળવો થતો જોવાયો હતો.
બેંકેક્સ ૧૧૨૭ તૂટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ સૌથી વધુ હેમરીંગ કરી કડાકો બોલાવી દીધો હતો. કેનેરા બેંક રૂ.૪.૮૦ તૂટી રૂ.૧૦૩.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૬ તૂટી રૂ.૭૮૨.૬૦, ફેડરલ બેંક રૂ.૬.૪૦ ઘટીને રૂ.૧૮૩.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૭.૯૫ ઘટીને રૂ.૧૧૫૯.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૫.૮૫ ઘટીને રૂ.૧૨૧૦.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૧૭૬૩.૯૦, એચડીએફસી બેંક રૂ.૮.૨૫ ઘટીને રૂ.૧૬૩૭, એચડીએફસી બેંક રૂ.૮.૨૫ ઘટીને રૂ.૧૬૩૭ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૨૭.૪૩ પોઈન્ટ ગબડીને ૫૭૨૯૨.૬૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ખાબક્યો
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ મોટી ઓવરબોટ પોઝિશન હળવી કરવા લાગતાં વ્યાપક ગાબડાં પડયા હતા. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૨૮૩.૬૫, ટીમકેન રૂ.૮૭.૨૫ ઘટીને રૂ.૩૭૧૫.૧૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૯.૧૫ ઘટીને રૂ.૩૫૭૪.૧૫, હનીવેલ ઓટોમેશન રૂ.૫૧૧.૨૫ તૂટીને રૂ.૪૯,૦૫૯.૬૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૨૭.૩૦ ઘટીને રૂ.૪૩૩૨.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૩૨.૧૧ પોઈન્ટ તૂટીને ૭૧૧૪૩.૪૦ બંધ રહ્યો હતો.
ઓટો શેરો તૂટયા
ફંડો, મહારથીઓ તેજીનો વેપાર સંકેલવા લાગ્યા હોય એમ આજે ઓટોમોબાઈલ શેરોમાં મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું. ટાટા મોટર્સ રૂ.૨૦ ઘટીને રૂ.૧૦૪૮.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬૯૭.૦૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૪.૦૫ ઘટીને રૂ.૧૨,૧૮૪.૧૦, એમઆરએફ રૂ.૧૧૯૫.૮૦ તૂટીને રૂ.૧,૩૪,૭૪૮.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૫૭.૮૮ પોઈન્ટ તૂટીને ૫૭૬૫૯.૦૧ બંધ રહ્યો હતો.
રિલાયન્સ રૂ.૫૭ તૂટયો
ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક શેર દીઠ એક શેર બોનસના પોઝિટીવ પરિબળને બજારે ડિસ્કાઉન્ટ કરી આજે કરેલા મોટા પ્રોફિટ બુકિંગે રૂ.૫૭.૩૦ તૂટીને રૂ.૨૯૨૯.૮૫ રહ્યો હતો. ઓઈલ ઈન્ડિયા રૂ.૨૭.૮૫ તૂટીને રૂ.૬૨૭.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૩૫૪.૩૦, એચપીસીએલ રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૪૩૪.૩૫, બીપીસીએલ રૂ.૮.૪૫ ઘટીને રૂ.૩૫૨.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૦૯.૯૩ પોઈન્ટ તૂટીને ૩૧૭૦૫.૮૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ગાબડાં
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે વ્યાપક પ્રોફિટ બુકિંગ થયું હતું. એચસીએલ ટેકનોલોજી રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૭૫૫.૫૦, ટાટા એલેક્સી રૂ.૧૩૪.૪૫ ઘટીને રૂ.૭૫૮૮.૬૫, ઈન્ફોસીસ રૂ.૩૦.૮૦ ઘટીને રૂ.૧૯૦૨.૨૦ રહ્યા હતા. જ્યારે ૬૩ મૂન્સ ટેકનોલોજીમાં સતત આકર્ષણે રૂ.૧૯.૮૦ વધીને રૂ.૪૧૬.૫૫, ટાટા ટેકનોલોજી રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૧૧૨.૫૦, સોનાટા રૂ.૧૫.૨૫ વધીને રૂ.૬૮૯.૭૫ રહ્યા હતા.
૨૫૪૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવા સાથે આજે ગભરાટમાં ફંડો, રિટેલ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ઘટીને ૧૪૦૩ અને ઘટનારની સંખ્યા વધીને ૨૫૪૪ રહી હતી.
DIIની રૂ.૨૧૨૧ કરોડની ખરીદી
એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૬૨૦.૯૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૧૨૧.૫૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપતિ ઘટી
ફંડો, મહારથીઓએ આજે સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાવ્યા સાથે અનેક શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ રૂ.૫.૫૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૦.૧૮ લાખ કરોડ રહી ગયું હતું.