Dinesh Karthik On India’s Future All Format Captain: હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પછી કોણ ટીમનો કેપ્ટન બનશે? આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે તેના પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે આગામી કેપ્ટન વિશે ભવિષ્યવાણી કરી છે. કાર્તિકે બે નામો જણાવ્યા હતા, કે જે ભવિષ્યમાં ત્રણેય ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ કરી શકે છે.
કાર્તિકે કહ્યું, ‘મારા મગજમાં બે એવા ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે, કે જે યુવા છે, અને તેઓ ક્ષમતા પણ ધરાવે છે, નજીકના ભવિષ્યમાં તમામ ફોર્મેટમાં તેઓ ભારતનું નેતૃત્વ કરી શકે છે. એક છે ઋષભ પંત અને બીજા છે શુભમન ગિલ. તેઓ IPLમાં ટીમોના કેપ્ટન પણ છે અને મને લાગે છે કે સમય જતાં તેમને ભારત માટે તમામ ફોર્મેટના કેપ્ટન બનવાની તક મળી શકે છે.’
ગિલને હાલમાં જ ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 સીરિઝમાં ભારતને 4-1થી શાનદાર જીત અપાવી હતી. ગિલ મર્યાદિત ઓવરો(T20)ના ફોર્મેટમાં પણ વર્તમાન ભારતીય ટીમનો વાઇસ-કેપ્ટન છે. તેને ભવિષ્યમાં ટેસ્ટ ફોર્મેટના કેપ્ટનની ભૂમિકા માટે સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે.
શુભમન ગિલે 2019માં ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યું હતું. 24 વર્ષીય ખેલાડીએ 47 વનડે મેચોમાં 58.20ની સરેરાશ સાથે તેણે 2328 રન બનાવ્યા છે. જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પણ કેપ્ટનશીપની રેસમાં છે.