Duleep Trophy 2024, Akash Deep: દુલીપ ટ્રોફી 2024માં ભારત-B વિરુદ્ધની મેચમાં ભારત-A તરફથી રમી રહેલ આકાશ દીપે 9 વિકેટ લીધી હતી. તેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં ભારત-Bના ધુરંધર બેટર ઋષભ પંતને પણ તેણે આઉટ કર્યો હતો. જયારે બીજી ઈનિંગમાં મુશીર ખાન જેવા ખતરનાક યુવા બેટરને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો.
આકાશ દીપે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. તેણે રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની 3 વિકેટ ઝડપી લીધી હતી. જેમાં ઓલી પોપ, જેક કાઉલી અને બેન ડકેટની વિકેટ સામેલ હતી. આકાશ હાલમાં જોરદાર લયમાં જોવા મળી રહ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તેણે બીજી ઇનિંગમાં બેટિંગમાં પોતાનો હાથ બતાવ્યો હતો. જેમાં આકાશે 42 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 43 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: એક સમયે વર્લ્ડકપ જીતનારી આ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્વૉલિફાઈ પણ ન થઈ, જુઓ યાદી
આકાશ દીપના નામે 31 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 107 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 112 રનમાં 10 વિકેટ છે. આકાશે 42 T20 મેચમાં 49 વિકેટ લીધી છે. ભારતીય ટેસ્ટ ટીમમાં ચોથા સીમરનું સ્થાન લઈ શકે. આકાશ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ રહી ચૂક્યો છે. વર્ષ 2022માં આરસીબીએ તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 7 IPL મેચમાં 6 વિકેટ લીધી હતી. હવે આકાશ દીપની નજર બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ સીરિઝમાં પોતાનું નિશ્ચિત કરવા પર ટકેલી છે. આ સીરિઝ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થોડા દિવસોમાં થવાની છે.