Kangana Ranaut’s Film ‘Emergency’: ઘણાં સમયથી કંગના રણૌત તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મને લઈને વધતા જતા વિવાદોને કારણે આ ફિલ્મ સેન્સર બોર્ડમાં સર્ટિફિકેટને લઈને અટવાઈ ગઈ હતી.
સેન્સર બોર્ડે ચલાવી કાતર
હવે ફિલ્મને રિલીઝ કરવા માટે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. જો કે સેન્સર બોર્ડે ફિલ્મ પર પોતાની કાતર ચલાવી છે. ફિલ્મમાં 3 સીનને કટ કર્યા છે. ફિલ્મમાં 10 જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. જેની યાદી સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાઓને મોકલી દીધીછે. ફિલ્મને ‘U/A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
સેન્સર બોર્ડે કરી નિર્માતાઓ પાસેથી તથ્યોની માંગ
સેન્સર બોર્ડે કંગના રણૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’માં દર્શાવવામાં આવેલા અમુક વિવાદાસ્પદ નિવેદનો પર નિર્માતાઓ પાસેથી તથ્યોની માંગ કરી છે. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સન દ્વારા ભારતીય મહિલાઓ પ્રત્યે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી દર્શાવવામાં આવી હતી. આ સિવાય તેમાં બ્રિટેનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ટિપ્પણી ‘ભારતીયોને સસલાની જેમ પ્રજનન કરવાવાળા’ પણ સામેલ છે. સેન્સર બોર્ડની માંગ બાદ હવે નિર્માતાઓએ આ બંને વિવાદાસ્પદ નિવેદનોના સ્ત્રોત જાહેર કરવા પડશે.
શીખ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી
8 જુલાઈના રોજઆ ફિલ્મને સેન્સર બોર્ડને પ્રમાણપત્ર માટે મોકલવામાં આવી હતી. પરંતુ વધતા જતા વિવાદોને કારણે તેને પ્રમાણપત્ર આપવામાં વિલંબ થઇ રહ્યો હતો. તેને 8 ઓગસ્ટના રોજ 3 કટ સહિત 10 ફેરફારોના સૂચનો સાથે U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. લગભગ 3 અઠવાડિયા પહેલા શીખ સંગઠન અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે સેન્સર બોર્ડે પત્ર લખીને મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડને 10 ફેરફારોની યાદી મોકલી છે.
આ પણ વાંચો: કંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી
સીનને કાઢી નાખવાની કરાઈ માંગ
આ ફિલ્મમાં સેન્સર બોર્ડે એક સીનને બદલવાનું સૂચન કર્યું છે. બોર્ડ દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ સીનને કાઢી નાખવામાં આવે અથવા તો તેને બદલવામાં આવે. જેમાં પાકિસ્તાની સૈનિકોને બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરતા દેખાડવામાં આવી રહ્યા છે. જેમાં એક સૈનિક એક બાળકનું માથું ફોડી નાખે છે અને બીજા દ્રશ્યમાં મહિલાઓના માથાને ધડથી અલગ કરતા બતાવવામાં આવ્યો છે.
કંગનાએ શુ કહ્યું?
તમને જણાવી દઈએ કે ‘ઇમરજન્સી’ ફિલ્મને લઈને વધતા જતા વિવાદો વચ્ચે કંગના રણૌતે ‘X’ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને પ્રમાણપત્ર મળ્યું નથી, ફિલ્મને લઈને સેન્સર બોર્ડને ધમકીઓ અપાય રહી છે. ફિલ્મમાં કેટલાક એવા તથ્યો હતા જેના પર વિવાદ હતો, કેટલાક લોકો ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે, આ બધા કારણોને લીધે પ્રમાણપત્ર મળ્યું ન હતું.