Amreli News : અમરેલી શહેરમાં લાઠી રોડ પર આવેલ ગિરધર નગર સોસાયટી પાસેની સરકારી જમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાની થોડા દિવસ પહેલા વાતો ફેલાઈ હતી. જો કે હવે આ મામલે મોટો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસને ટીમે ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું છે. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરીને માફી પણ માંગી છે.
પોલીસે ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું
મળતા અહેવાલો મુજબ, અમરેલી સહિત ગુજરાતભરમાં જમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાની વાતો ફેલાઈ હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યાર આ વીડિયોની સત્યતા તપાસવા માટે રાજકોટ વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ટીમ દોડતી થઈ હતી. સરકારીજમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાની એવી વાત ફેલાવનાર કહેવાતા ભૂઇ માતાના પાખંડનો પર્દાફાશ કરીને ખોટું તૂત ઊભું કરી લોકોને આસ્થા અને શ્રદ્ધાનાં નામે મૂર્ખ બનાવ્યાનો ભાંડો ફોડ્યો હતો.
માલતીબેનને વિજ્ઞાન જાથા તેમજ પોલીસ ટીમે ઘેર પહોંચી કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે આ મહિલા શરૂઆતમાં પોતે ઢોંગ ધતિંગ કરતા હોવાનું કબૂલતા જ ન હતા. છેવટે પોલીસે કડકાઈ કરતા અને પુરાવા રજૂ કરતા તે ખોટા સાબિત થયા હતા. બાદમાં તેમણે સ્વીકાર્યું હતું કે, હું લોકોને છેતરવા માટે ખોટી રીતે ધૂણતી હતી.
મહિલાએ પોલીસ સ્ટેશન જઈને માફી માંગવી પડી
આ ટીમની કાર્યવાહીના કારણે પાખંડી મહિલા માલતીબેનને ધૂણીને પાખંડ ફેલાવવું ભારે પડ્યું હતું. આ દરમિયાન મહિલાને અમરેલી શહેર પોલીસે પોલીસ મથકે લાવી માફી મંગાવી હતી. કાર્યવાહી બાદ માલતીબેને કબૂલાતનામામાં સ્વીકાર્યું હતું કે, ‘હું લોકોને મૂર્ખ બનાવતી હતી, પરંતુ હવે આવું નહીં કરું. હવે ધુણવાનું પણ બંધ કરી દઈશ.’
આમ, આ મહિલા લોકોને ધર્મની આડમાં મૂર્ખ બનાવતી હોવાનો પર્દાફાશ થયો હતો.