BJP Candidates List On Jammu And Kashmir: ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 10 ઉમેદવારોના નામ સામેલ છે. આ પૈકી પાંચ મુસ્લિમ ઉમેદવાર છે. ભાજપે બહુચર્ચિત કઠુઆ વિધાનસભા બેઠક પરથી ડો. ભરત ભૂષણને મેદાનમાં ઉતાર્યા છે.
મુસ્લિમ ઉમેદવારોની વાત કરીએ તો કરનાહમાંથી ઈદરીસ કરનાહી, હંદવાડામાંથી ગુલાબ મોહમ્મદ મીર, સોનાવારીમાંથી અબ્દુલ રશિદ ખાન, બાંદીપોરામાંથી નસીર અહમ લોન, ગુરેજમાંથી ફકીર મોહમ્મદ ખાનને ટિકિટ આપી છે. અન્ય ઉમેદવારોમાંથી આર.એસ. પઠાનિયાને ઉધમપુર પૂર્વ, બિશ્નાહમાંથી રાજીવ ભગત, બાહુમાંથી વિક્રમ રંધાવા અને મઢમાંથી સુરિંદર ભગતને ટિકિટ આપી છે.
કયા પ્રાંતમાં કેટલી બેઠકો
જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 90 વિધાનસભા બેઠક છે, જેમાંથી 47 બેઠકો કાશ્મીર, અને 43 બેઠખો જમ્મુમાં છે. સીમાંકન પહેલાંની વાત કરીએ તો, 2014ની ચૂંટણી સુધી 87 બેઠકો હતી. જેમાં 37 બેઠક જમ્મુ અને 46 બેઠક કાશ્મીરમાં હતી. ચાર બેઠક લદાખમાં હતી. રાજ્યના દરજ્જામાં ફેરફાર થવાની સાથે લદાખને અલગથી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનુ સ્ટેટસ મળ્યું છે, ત્યારબાદ જમ્મુમાં છ, કાશ્મીરમાં એક બેઠક વધી છે.
અમિત શાહે સંકલ્પ પત્ર જાહેર કર્યો
શુક્રવારે ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંગે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવાયું છે કે, ‘આઝાદીના સમયથી અમારા પક્ષ માટે જમ્મુ-કાશ્મીર મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. તેને જોડી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા છે. કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, જે હવે ક્યારેય પાછી નહીં આવે કારણકે, આ વિચારધારા યુવાનોને હાથમાં પથ્થર આપતી હતી. પાકિસ્તાન સાથે વાતચીત અને બોમ્બ ઘડાકા એક સાથે થઈ શકે નહીં. અમે પાકિસ્તાન સાથે વાટાઘાટોના પક્ષમાં નથી. જો કે મેં પહેલાં પણ કહ્યું હતું કે, અમે યોગ્ય સમયે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. આ વિશે કોઈ શંકા ન હોવી જોઈએ.’