મુંબઈ : વૈશ્વિક મંદીનો હાઉ ફરી વધવા લાગતાં અને અમેરિકામાં રોજગારી વૃદ્વિના નબળા આંકડાએ સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ નેટ વેચવાલ બનીને સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી કડાકો બોલાવ્યો છે. ચોમાસું સફળ સારૂ રહ્યાના પોઝિટીવ પરિબળ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેગા પ્રોજેક્ટોને ઓપ આપવાનું સરકારે ચાલુ રાખીને આર્થિક વિકાસને વેગ આપવાની નીતિમાં આગળ વધવાના પોઝિટીવ પરિબળો છતાં લાંબા સમયથી વિક્રમી તેજીના દોરને વિરામ આપવાની આવશ્યકતાને લઈ ફંડો અને મહારથીઓએ તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા છે. વેલ્યુએશન મામલે નિષ્ણાંતોમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો વચ્ચે હવે ઘણા અસાધારણ વધી ગયેલા શેરોના ભાવોને જોઈ વેલ્યુએશન નવા રોકાણ માટે યોગ્ય નહીં હોવાનું માનનારો ફંડો અને મોટા ઈન્વેસ્ટરોનો વર્ગ છેલ્લા પખવાડિયામાં ૨૫થી ૪૦ ટકા રોકાણ હળવું કરવાનું મન બનાવી પ્રોફિટ બુક કરવા લાગ્યો છે. આ સાથે ફંડામેન્ટલ નહીં ધરાવતી છતાં અસાધારણ વધી ગયેલા શેરોમાં ઓફલોડિંગ કરીને સુરક્ષિત ગણાતાં શેરોમાં રોકાણ વાળવા લાગ્યો હોવાનું જોવાઈ રહ્યું છે. જેથી હવે ગમે તે ભાવે જે તે શેરોમાં રોકાણ કરવાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. વૈશ્વિક બજારો પર નજર અને યુક્રેન-રશીયા, ઈઝરાયેલ-હમાસ વચ્ચે સંભવિત યુદ્વ વિરામના ડેવલપમેન્ટ પર નજરે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૨૨૨થી ૨૪૫૫૫ વચ્ચે અને સેન્સેક્સ ૮૨૪૪૪થી ૮૦૧૧૧ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : INTERNATIONAL TRAVEL HOUSE LTD.
માત્ર બીએસઈ(૫૦૦૨૧૩) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ,આઈટીસી લિમિટેડ ગુ્રપના ૬૧.૬૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, ISO 9001:2015, Certified, અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી, ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડ (INTERNATIONAL TRAVEL HOUSE LTD.), વર્ષ ૧૯૮૧માં ભારતની પ્રથમ પબ્લિક લિસ્ટેડ ટ્રાવેલ કંપની તરીકે શરૂ થયેલી ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ પૈકી એક છે. કંપની કાર રેન્ટલ, બિઝનેસ ટ્રાવેલ, એમ.આઈ.સી.ઈ., લીઝર, ઈન્ફિનિટી-ટ્રાવેલ કોનસીઅર્જ સર્વિસિઝ પૂરી પાડવા ક્ષેત્રે સક્રિય છે. ૧૯ શહેરોમાં ૩૯ ઓફિસો અને ૧૨૦૦થી વધુ કર્મચારીઓ, ૩૦૦૦થી વધુ ક્લાયન્ટ અને અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ ટ્રાન્ઝેકશન્સ કરી ચૂકેલી કંપની છે. આઈટીસી લિમિટેડના હોટલ ડિવિઝન હેઠળ ૮૦થી વધુ સ્થળોએ છ બ્રાન્ડ્સની હોટલો આઈટીસી હોટલ્સ, મેમેન્ટોસ, વેલ્કમહોટલ, સ્ટેર્રી, ફોર્ચ્યન હોટલ્સ, વેલ્કમહેરીટેજ હેઠળ ૧૧૫થી વધુ હોટલો ઓપરેટ કરી રહી હોઈ આ લક્ઝરી હોટલ્સ ચેઈન થકી કંપની મોટો બિઝનેસ મેળવી રહી છે. આઈટીસી હોટલ ડિવિઝનમાં છેલ્લા બે વર્ષમાં ૨૨ નવી મેનેજ્ડ પ્રોપર્ટીઝનો ઉમેરો થયો છે, અને આગામી બે વર્ષમાં ૨૫ નવી હોટલનો ઉમેરો કરવાની કંપનીની યોજના છે. ૫૫ દેશોમાં અસ્તિત્વ ધરાવતા વિશ્વવ્યાપી ટ્રાવેલ મેનેજમેન્ટ કંપની ગ્લોબલસ્ટાર ટ્રાવેલ મેનેજમેન્ટના નેટવર્ક એલાયન્સમાં કંપની પાર્ટનર છે. જેનાથી થકી કંપની વિશ્વના મોટાભાગના ટ્રાવેલ મથકોએ પહોંચ ધરાવે છે.
એસોસીયેટ કંપની : ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉ લિમિટેડ (આઈટીએચએલ)એ આઈટીસી લિમિટેડની એસોસીયેટ કંપની છે. કંપનીમાં આઈટીસી લિમિટેડ ૩.૬ ટકા હોલ્ડિંગ ધરાવે છે. રસેલ ક્રેડિટ લિમિટેડ( ડબલ્યુઓએસ અને આઈટીસીના ઈન્વેસ્ટમેન્ટ એકમ) આ કંપનીમાં ૪૫.૩૬ ટકા હોલ્ડિંગ ધરાવે છે અને રસેલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (રસેલ ક્રેડિટ લિમિટેડની એસોસીયેટ કંપની) ૧૨.૭૩ ટકા આઈટીએચએલમાં હોલ્ડિંગ ધરાવે છે. આ કુલ મળીને આઈટીસી ગુ્રપનું આઈટીએચએલમાં ૬૧.૬૯ ટકા હોલ્ડિંગ છે.
કાર રેન્ટલ સર્વિસિઝ : કંપની ભારતમાં સુપર પ્રીમિયમ સીરિઝ, પ્રીમિયમ વેન્સ અને પ્રીમિયમ-એસયુવી, એક્ઝિક્યુટીવ સીરીઝ થકી કોર્પોરેટ કાર રેન્ટલ સર્વિસમાં અગ્રણી બની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓના ૫૦ ટકાથી વધુ કંપનીઓને આ સર્વિસ પૂરી પાડે છે અને વૈશ્વિક મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી આવકના ૬૦ ટકા મેળવે છે.
બિઝનેસ ટ્રાવેલ : કંપની કોર્પોરેટ ટ્રાવેલ સેગ્મેન્ટમાં ભારતમાં ઉદ્યોગ અગ્રણી બની રહી શ્રેષ્ઠ સોલ્યુશન્સ પૂરા પાડે છે. જેમાં એર-રેલ-બસ ટિકિટીંગ, હોટલ એકોમોડેશન, પ્રાઈવેટ એરપોર્ટ ટ્રાન્સફર્સ, પાસપોર્ટ અને વિસા ફેસિલિટેશન, સરફેસ ટ્રાન્સફર-કાર રેન્ટલ, ફોરેન એક્સચેન્જ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ આસિસ્ટન્ટ-પાર્ટનરો થકી પૂરા પાડે છે.
એમ.આઈ.સી.ઈ. : કંપની લાંબા સમયથી આઈટીસી હોટલ્સ ગુ્રપ સાથે કોલોબ્રેશન સાથે ભારત અને વિદેશોમાં કોર્પોરેટ મીટિંગો, ઈન્સેન્ટિવ્ઝ અને ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરવામાં અનુભવી એમઆઈસીઈ પ્રોફેશનલો, ઈન-હાઉસ ફલ્ટિ, દેશવ્યાપી લોકલ સપોર્ટ, ઈવેન્ટ બાદ એનાલિસીસ અને રીપોર્ટસ સહિતની સર્વિસ પૂરી પાડે છે.
લીઝર : કંપની આ સેગ્મેન્ટ હેઠળ દેશના અનેક ટુરિસ્ટ સ્થળો આગ્રા, અમૃતસર, ઔરંગાબાદ, બેંગ્લોર, ચેઈલ, ચેન્નઈ, ડેલહાઉસી, ગોવા, જયપુર, જોધપુર, સિમલા, કાશ્મીર, ગુજરાત ટ્રેઈલ, ઓરિસ્સા ઓડિસ્સી, રોયલ રાજસ્થાન, અંદમાન, સાઉથ ઈન્ડિયા ટેમ્પલ ટુર સહિત ઘણા પ્રવાસન સ્થળોમાં સર્ટિફાઈડ ચૌફર સાથે ટુર-ટ્રાવેલ સર્વિસિઝ પૂરી પાડે છે.
ઈન્ફિનિટી -ટ્રાવેલ કોનસીએર્જ : આ બીસ્પોક સર્વિસિઝમાં કંપની એરલાઈન ટીકીટીંગ, પોર્ટરેજ આઝિસ્ટન્ટ, ડોમેસ્ટિક ટ્રાન્સફર્સ, ટ્રાવેલ એન્ડ હેલ્થ ઈન્સ્યોરન્સ, ડેડિકેટેડ ટ્રાવેલ કયુરેટર, પ્રાઈવેટ એરપોર્ટ ટ્રાન્સફર્સ, ગ્લોબલ ફ્લાઈટ્સ, એક્સપ્રેસ ઈમિગ્રેશન, વિસા કોનસીએર્જ, ફાઈન હોટલ્સ, કાર રેન્ટલ્સ, પ્રાઈવેટ જેટ એન્ડ યોટ, ડેસ્ટિનેશન વેલેટ, સ્પેશ્યલ ઓકેઝન્સ, પ્રાઈવેટ પાર્ટીઝ સહિતની સર્વિસિઝ પૂરી પાડે છે.
શેરોનું એક્વિઝિશન : આઈટીસી લિમિટેડ દ્વારા ૧૪, ઓગસ્ટ ૨૦૨૩ના ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડના ૩૬,૨૬,૬૩૩ શેરો એટલે કે કંપનીની શેરમૂડીના ૪૫.૩૬ ટકા હોલ્ડિંગને રસેલ ક્રેડિટ લિમિટેડ પાસેથી હસ્તગત કરવાનું જાહેર કર્યું હતું. આ સાથે આઈટીસી લિમિટેડે હોસ્પિટાલિટી એકમોમાં તેના રોકાણો આઈટીએચએલ સહિતને સૂચિત કંપની આઈટીસી હોટલ્સ લિમિટેડને ટ્રાન્સફર કરવાનું જાહેર કર્યું હતું. આ સાથે આઈટીએચએલમાં આઈટીસી લિમિટેડના શેરહોલ્ડિંગને જરૂરી નિયામક મંજૂરીઓ બાદ આઈટીસી હોટલ્સ લિમિટેડને ટ્રાન્સફર કરાશે. આઈટીસી ગુ્રપનું આઈટીએચએલમાં શેરહોલ્ડિંગ ૬૧.૬૯ ટકા જળવાઈ રહેશે.
શેર હોલ્ડિંગ પેટર્ન : આઈટીસી લિમિટેડ ગુ્રપ હસ્તક ૬૧.૬૯ ટકા હોલ્ડિંગ, એચએનઆઈ પાસે ૧૨.૩૩ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૫.૪૩ ટકા અને રિટેલ શેરધારકો પાસે ૨૦.૫૫ ટકા છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૧૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૫૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૧૭૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૨૧૦
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૧૮૭ કરોડ મેળવીને અગાઉના વર્ષોની ટેક્ષ ક્રેડિટ રૂ.૧૦.૭ કરોડ મેળવતાં ચોખ્ખો નફો રૂ.૨૮.૩૮ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩૫.૫૧ હાંસલ કરી હતી.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૩૧ ટકા વધીને રૂ.૨૨૧ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૧૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૨.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨૮.૧૫ હાંસલ કરી હતી.
(૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ થી જૂન ૨૦૨૪ : પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખી આવક ૧૦ ટકા વધીને રૂ.૬૦.૧૭ કરોડ નોંધાવી એનપીએમ ૧૦.૧૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬.૧૩ કરોડ હાંસલ કરી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૭.૬૭ નોંધાવી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક ૧૨ ટકા વધીને રૂ.૨૪૮ કરોડ મેળવી ૧૦.૩૫ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૫.૬૮ કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૨.૧૦ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) આઈટીસીના ૬૧.૬૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૩)અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૩૨.૧૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૧૦ સામે શેર અત્યારે ૬, સપ્ટેમ્બર૨૦૨૪ના માત્ર બીએસઈ પર રૂ.૬૩૩ના ભાવે માત્ર ૧૯.૭૨ના પી/ઈએ ઉપલબ્ધ છે. (૪) ટ્રાવેલ એજન્સી ઉદ્યોગમાં અત્યારે થોમસ કૂક ૪૧નો પી/ઈ, નવી લિસ્ટેડ કંપની ઈકોસ ઈન્ડિયા મોબિલીટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ ૪૦નો પી/ઈ મેળવી રહી છે અને એ મુજબ ઉદ્યોગના સરેરાશ ૪૧ના પી/ઈ સામે ૧૦૦થી વધુ હોટલ ધરાવતી આઈટીસી લિમિટેડ ગુ્રપ પ્રમોટેડ ૬૧.૬૯ ટકા હોલ્ડિંગની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડનો રૂ.૧૦ પેઈડ-અપ શેર રૂ.૬૩૩ ભાવે માત્ર બીએસઈ પર ૧૯.૭૨ના પી/ઈએ મળી રહ્યો છે.