Bangladesh National Anthem News : બાંગ્લાદેશના ધાર્મિક મામલાના સલાહકાર એએફએમ ખાલિદ હુસૈને જણાવ્યું છે કે, ‘બાંગ્લાદેશના રાષ્ટ્રગીતમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વચગાળાની સરકાર એવું કંઈ કરશે નહીં જેનાથી વિવાદ ઊભો થાય. સરકાર ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગે છે. આ નિવેદન રાષ્ટ્રગીત બદલવાની માંગ પર આવ્યું છે. આ માંગ બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીના ભૂતપૂર્વ નેતા ગુલામ આઝમના પુત્ર અબ્દુલ્લાહીલ અમાન આઝમીએ કરી હતી.
આ પણ વાંચો : વિનેશ ફોગાટના રાજકીય કરિયર પર લાગશે ‘બ્રેક’? રેલવેએ ફટકારી નોટિસ, જાણો શું છે નિયમ
એએફએમ હુસૈને શું કહ્યું?
એએફએમ હુસૈને 7 સપ્ટેમ્બરે મીડિયામાં જણાવ્યું હતું કે, મસ્જિદો, મંદિરો અને ધાર્મિક સ્થળો પરના હુમલાઓને ઘૃણાસ્પદ ગણાવતા હુસૈને કહ્યું, ‘પૂજા સ્થળો પર હુમલો કરનારા લોકો માનવતાના દુશ્મન છે, તે દોષી હોવાથી તેમના પર કાયદાકીય રીતે કેસ થવો જોઈએ. સ્થાનિક નાગરિકો અને મદરેસાના વિદ્યાર્થીઓ દુર્ગા પૂજા દરમિયાન કોઈપણ હુમલા અથવા તોડફોડને રોકવા માટે મંદિરોની સુરક્ષા કરશે. મદરેસાના વિદ્યાર્થીઓ ક્યારેય આતંકવાદમાં સામેલ થયા નથી. આ અગાઉની સરકારનો ખોટો પ્રચાર અને ષડયંત્ર હતું. સરકાર બદલાયા બાદ હિન્દુ સમુદાયના કેટલાક લોકોના ઘરો પર હુમલા પણ થયા છે. જેવી રીતે મુસલમાનોના ઘરો પર હુમલા થયા તેને અલગ રીતે જોવું જોઈએ નહીં.’
આ રાષ્ટ્રગીત 1971માં ભારત દ્વારા આપણા પર લાદવામાં આવ્યું
આ પહેલા અબ્દુલ્લાહી અમાન આઝમીએ દેશના રાષ્ટ્રગીત અને બંધારણમાં ફેરફારની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું રાષ્ટ્રગીતનો મામલો આ સરકાર પર છોડી દઉં છું. આપણું વર્તમાન રાષ્ટ્રગીત આપણા સ્વતંત્ર બાંગ્લાદેશના અસ્તિત્વની વિપરીત છે. આ બંગાળના ભાગલા અને બે બંગાળના વિલીનીકરણના સમયને દર્શાવે છે. બે બંગાળને એક કરવા માટે બનાવેલ રાષ્ટ્રગીત સ્વતંત્ર બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કેવી રીતે હોઈ શકે? આ રાષ્ટ્રગીત 1971માં ભારત દ્વારા આપણા પર લાદવામાં આવ્યું હતું. ઘણા ગીતો રાષ્ટ્રગીત તરીકે કામ કરી શકે છે. સરકારે એક નવું આયોગ બનાવવું જોઈએ, જે નવું રાષ્ટ્રગીત પસંદ કરશે.’
આ પણ વાંચો : પેલેસ્ટાઈનને પણ ભારતથી આશા, કહ્યું- ‘ભારત બંનેનો મિત્ર, ભજવી શકે છે મધ્યસ્થીની ભૂમિકા’
બાંગ્લાદેશ અને ભારત બંનેના રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોરે લખેલા
બાંગ્લાદેશ અને ભારત બંનેના રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. ‘અમાર સોનાર બાંગ્લા’ ગીત હાલ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે. આમ 1905માં ટાગોરે બંગાળના વિભાજનના વિરોધમાં ‘અમાર સોનાર બાંગ્લા’ ગીત લખ્યું હતું. 1971માં જ્યારે સ્વતંત્ર બાંગ્લાદેશનું નિર્માણ થયું, ત્યારે શેખ મુજીબુર રહેમાને તેને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું હતું. જો કે, તેમના મૃત્યુ પછી બદલાવાની માંગ ઘણી વખત કરવામાં આવી છે.