Monkeypox Virus In India : મંકીપોક્સના વધતા જોખમને ધ્યાને લઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. હાલ વિશ્વના અનેક દેશોમાં આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વચ્ચે હવે ભારતમાં પણ મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે, હાલમાં જ વિદેશથી પરત ફરેલા એક યુવાન દર્દીમાં મંકીપોક્સના લક્ષણ દેખાયા હતા. ત્યાર પછી તેને આઇસોલેશન માટે સ્પેસિફાઇડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલ દર્દીની હાલત સ્થિર છે અને મંકીપોક્સની પુષ્ટિ કરવા માટે તેના વિવિધ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
અહેવાલ અનુસાર, આ મામલા પછી પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરાઈ રહી છે. સંભવિત સોર્સની ઓળખ કરવા તેમજ દેશમાં વાયરસના પ્રભાવનું આકલન કરવા માટે દર્દીની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહી છે. દર્દીમાં અત્યાર સુધી મંકીપોક્સ વાઇરસની પુષ્ટિ થઇ નથી, તેથી ચિંતાનું કોઇ કારણ નથી. જો કે, અગમચેતીના પગલાં રૂપે દર્દીને આઇસોલેટ કરી તેના વિવિધ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં મંકીપોક્સ માટે 14 બેડનો ખાસ વોર્ડ શરુ કરાયો
દેશ મંકીપોક્સ સામે લડવા તૈયાર
ભારત મંકીપોક્સ વાયરસ સામે લડવા સમગ્ર રીતે તૈયાર છે અને કોઇ પણ સંભવિત જોખમને રોકવા અને ઓછો કરવા પૂરતા પ્રયાસ કરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પણ આવશ્યક ગાઇડલાઇન્સ જાહેર કરી એલર્ટ રહેવા જણાવ્યું છે.
કંઇ રીતે ફેલાય છે મંકીપોક્સ?
થોડાક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે, મંકીપોક્સ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયાનું સંક્રમણ હોય છે અને દર્દી યોગ્ય સારવારથી સ્વસ્થ થઇ જાય છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિની સાથે લાંબા સમય સુધી નિકટ સંપર્ક, જાતીય સંપર્ક, થૂંક જેવા પ્રવાહી પદાર્થના માધ્યમથી, શરીર સાથે સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિના કપડાંનો ઉપયોગ કરવાથી ફેલાઇ શકે છે.
આ પણ વાંચોઃ મંકીપોક્સ મામલે એલર્ટ! દિલ્હી AIIMSએ શંદાસ્પદ દર્દીઓની સારવાર માટે જાહેર કરી ગાઈડલાઈન્સ
116 દેશોમાં 99 હજારથી અધિક કેસ
નોંધનીય છે કે, ડબ્લ્યુએચઓએ અગાઉ જુલાઇ 2022માં પણ મંકીપોક્સને કટોકટી જાહેર કરી હતી, જેને મે 2023માં રદ કરવામાં આવી હતી. જો કે, તાજેતરમાં ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે વર્ષ 2022થી અત્યાર સુધી વૈશ્વિક સ્તરે મંકીપોક્સના 116 દેશોમાં 99,176 કેસ સામે આવ્યા છે, જેમાં 208 લોકોના મોત થયા છે.