Russia-Ukraine War: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બાદ હવે ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’ તેમણે શનિવાર (આઠમી સપ્ટેમ્બર) સેર્નોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં આ વાત કહી હતી. જ્યારે ઈટાલીના વડાંપ્રધાન આ ટિપ્પણી કરી ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા.
ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શું કહ્યું?
ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સંબોધન દરમિયાન કહ્યું, ‘તે સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થશે તો સંઘર્ષ અને સંકટ વધુ વધશે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે જેમ જેમ સંકટ આગળ વધશે તેમ વૈશ્વિક અર્થતંત્રને અસર થશે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન અને આર્થિક વૈશ્વિકરણ એકસાથે ન જઈ શકે. મારું માનવું છે કે ચીન અને ભારત યુદ્ધને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઈટાલી માટે યુક્રેનને સમર્થન આપવાની પસંદગી એ રાષ્ટ્રીય હિતની પ્રથમ અને અગ્રણી પસંદગી છે, અને તે એક એવી પસંદગી છે જે બદલાશે નહીં.’
આ પણ વાંચો: ઈઝરાયેલી આર્મી AI ટેકનોલોજી, લેપટોપ અને મોબાઈલ ફોનના ટ્રેકિંગના સહારે
પીએમ મોદી યુક્રેનની મુલાકાતે ગયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મી ઓગસ્ટે યુક્રેનની મુલાકાત દરમિયાન યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને રશિયા સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ યુદ્ધ સમાપ્ત કરવામાં વિલંબ ન કરવો જોઈએ. નોંધનીય છે કે, વર્ષ 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થઈને અલગ દેશ બન્યા પછી ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હતી. યુક્રેનથી પરત ફર્યા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને તત્કાલીન રશિયના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી.
ભારત શાંતિ વાટાઘાટોમાં ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ‘આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંકટનો ઉકેલ શોધવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઈસ્તાંબુલ વાટાઘાટો દરમિયાન જે સમાધાનો પર સહમત થયા હતા અને જે અમલમાં ન આવી શક્યા તે ભાવિ શાંતિ ચર્ચાનો આધાર બની શકે છે.’ પુતિને ભારત સહિત યુક્રેન સંઘર્ષ પર તેમની સાથે સંપર્કમાં રહેલા ત્રણ દેશોના નામ આપ્યા હતા.