Haryana Assembly Election : હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વધી રહી છે. હવે ઇન્ડિયન નેશનલ લોકદળ (ઇનેલો) ના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ 20 વર્ષના લાંબા વિરામ પછી ફરી એક વાર ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે, શિક્ષક ભરતી કૌભાંડમાં તેમને જેલની સજા થઇ હતી. જો કે, સજા ભોગવી બહાર આવ્યા બાદ 89 વર્ષીય ચૌટાલાએ ચૂંટણી લડવા માટે દિલ્હીની કોર્ટ પાસેથી મંજૂરી માંગી છે.
કોર્ટ પાસે મંજૂરી માંગી
છેલ્લી વખત વર્ષ 2005માં હરિયાણાની રોડી બેઠક પરથી ચૂંટણી લડ્યા બાદ ઓમપ્રકાશ ચૌટાલા ફરી ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા માંગે છે. નોંધનીય છે કે, દિલ્હીની કોર્ટે થોડાક દિવસો પહેલા ચૌટાલા સાથે સજા ભોગવી રહેલા શેર સિંહ બડશામીને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. આ વાતને આધાર બનાવી ચૌટાલાએ પણ ચૂંટણી લડવાની મંજૂરી માંગી છે.
ડબવાલી બેઠકથી લડી શકે છે ચૂંટણી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમપ્રકાશ ચૌટાલા ડબવાલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, આ અંગે અત્યાર સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો ચૌટાલા ચૂંટણી લડશે તો તેઓ ડબવાલી બેઠક પરથી જ ચૂંટણી લડશે એ વાત નક્કી છે.
દિગ્વિજય ચૌટાલાએ આપ્યું મોટું નિવેદન
ઓમપ્રકાશ ચૌટાલાની ચૂંટણી લડવાની ચર્ચાઓ વચ્ચે જેજેપી (જનનાયક જનતા પાર્ટી)એ દુષ્યંત ચૌટાલાના ભાઇ દિગ્વિજય ચૌટાલાને મેદાનમાં ઉતાર્યું હતું. પરંતુ, દિગ્વિજયે હવે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં દિગ્વિજયે જણાવ્યું હતું કે, ‘જો ઓમપ્રકાશ ચૌટાલા ડબવાલી બેઠકથી નામાંકન કરશે તો હું ચૂંટણીમાંથી પોતાનું નામ પરત ખેંચી લઇશ’.
આ પણ વાંચોઃ NDAના કદાવર નેતાનો ઊઠતો અવાજ દબાવી દેવા ભાજપનો પ્લાન! ‘કાકા’ને મોટું પદ આપવાની તૈયારી
ચૌટાલાને મળી શકે છે મંજૂરી
નિષ્ણાતો આ અંગે જણાવી રહ્યા છે કે, લોક પ્રતિનિધિત્વ કાયદા હેઠળ ચૌટાલા જૂન 2026 સુધી ચૂંટણી લડવા યોગ્ય નથી છે. જો કે, આ કાયદાની કલમ 11માં કોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને આ જ આધાર પર ઓમપ્રકાશ ચૌટાલાએ કોર્ટ પાસે રાહતની માંગ કરી છે. ચૂંટણી પંચે અગાઉ પણ આવા કિસ્સામાં નેતાઓને રાહત આપી છે. આ કારણસર હવે સૌની નજર ઓમપ્રકાશ ચૌટાલા પર છે.