ફરિયાદીને આરોપીઓ ઇરાન પણ લઇ ગયા હતા
દિલ્હીની બે મહિલા સહિત ચાર અને ગાંધીધામના દલાલ વિરૃધ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
આવેલી કેએન કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની સલ્ફરનું વેચાણ કરતી કંપનીને સલ્ફર
ગ્રેન્યુઅલનો માલ વેચવાના બહાને રૃા. ૪.૭૮ કરોડ એડવાન્સમાં મેળવી છેતરપિંડી કર્યા
અંગે દિલ્હીની ચંચલ રાની શર્મા,
માયાદેવી શર્મા, કપિલ
શર્મા, વિશ્વમ
શર્મા અને ગાંધીધામના દલાલ પરાગ કિરીટ દેસાઇ સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાઇ છે.
કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં પ્રવિણભાઈ બગડા (ઉ.વ.૪૮, રહે. શાપર, જામનગર)એ નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું છે કે કંપનીના પ્રોપરાઇટરો દ્વારા તમામ વહીવટી સત્તાઓ તેને
આપવામાં આવી છે. એકાદ વર્ષ પહેલાં તેની કંપનીના રેગ્યુલર વેપારી પરાગભાઈ દલાલ
તરીકે સલ્ફર ગ્રેન્યુઅલના દાણા વેચવા માટે આવ્યા હતાં. જે માલ તેને બતાવી કહ્યુંં
કે તેનો એક વેપારી મિત્ર વિશ્વમ શર્મા કે જે કંતિકા ઇમ્પોર્ટ- એક્સપોર્ટ એન્ડ
ટ્રેડીંગ કંપની ધરાવે છે અને દિલ્હી રહે છે,
તેની પાસે સલ્ફર ગ્રેન્યુઅલનો માલ છે. માલ સારો લાગતા અને ભાવ પણ વ્યાજબી
લાગતા લાલચમાં આવી ૧૦ મેટ્રિક ટન સલ્ફર ગ્રેન્યુઅલ ખરીદવાનું નક્કી કર્યું હતું.
તે વખતે પરાગે કહ્યું કે પાર્ટી ખૂબ સારી છે, હું તમને માલના
એડવાન્સ પેમેન્ટના બદલામાં યુરો સિક્યોરિટી પેટે અપાવી દઇશ. ત્યાર પછી તેની અને
કંતિકા કંપની વચ્ચે ૧૦ હજાર મેટ્રિક ટન સલ્ફર ગ્રેન્યુઅલ ખરીદવા માટે સોદો થયો
હતો. આ માટે પ્રોમિસ સેલ અને પ્રોમિસ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતાં. જે મુજબ ૧૦
હજાર મેટ્રિક ટન સલ્ફર ગ્રેન્યુઅલની કિંમત ૯.૯૦ લાખ યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ
મુજબ ૮.૩૧ કરોડ થતી હતી.
એગ્રીમેન્ટ મુજબ તેની કંપનીએ એડવાન્સ પેમેન્ટ તરીકે કંતિકા
કંપનીને ૨,૪૦,૫૦૦ યુએસ ડોલર
એટલે કે ભારતીય ચલણ મુજબ રૃા. ૨ કરોડ આપવાના થતા હતા. જેથી કંપનીના ખાતામાંથી રૃા.
૨ કરોડ કંતિકા કંપનીના બેન્ક ખાતામાં આરટીજીએસ મારફત ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા
હતાં. એગ્રીમેન્ટ મુજબ ગઇ તા. ૫-૧૧-૨૦૨૩ પહેલા તેની કંપનીને ઓર્ડર મુજબનો માલ
પહોંચાડી આપવાનો હતો. જો તેમાં કસૂર થાય તો સોદાની રકમના પાંચ ટકા રૃપિયા તેની
કંપનીને ચૂકવવાના થતા હતા. જે રકમ રૃા. ૫૩ લાખ જેટલી હતી.
એડવાન્સ પેમેન્ટની સિક્યોરિટી પેટે કંતિકા કંપની બેન્ક
ગેરેન્ટી અને ડિમાન્ડ ડ્રાફટ આપશે તેવું નક્કી થયું હતું. પરંતુ એડવાન્સ રકમના ૨
કરોડ ચૂકવ્યાના એક અઠવાડિયા સુધી કોઇ સિક્યોરિટી આપવામાં આવી ન હતી. જેથી આ બાબતે
પરાગનો સંપર્ક કરતાં તેણે પણ કોઇ જવાબ આપ્યો ન હતો. તેની કંપનીના ટ્રાન્સપોર્ટર
અસગરઅલી ખલીફા પરાગને ઓળખતા હોવાથી તેના ફોનમાંથી સંપર્ક કરતાં પરાગે ૨ લાખ ૩૫
હજાર યુરો સિક્યોરીટી પેટે ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જેની રિસિપ્ટ પણ મોકલી
હતી પરંતુ યુરો તેની કંપનીને મળ્યા ન હતા. એટલું જ નહીં સિક્યોરિટી પેટે ૧.૫૦
કરોડના જે બે ચેક આપ્યા હતા તે બેન્કમાં જમા કરાવતા તેમાં સહીમાં ક્વેરી નીકળી
હતી.
એગ્રીમેન્ટ મુજબ કંતિકા કંપનીએ તા. ૩૦-૯-૨૦૨૩થી તા.
૫-૧૧-૨૦૨૩ સુધીમાં હજીરા પોર્ટ ખાતે માલ આપવાનો હતો. માલ મળી ગયા બાદ તેની કંપનીએ
બાકી રકમ ચૂકવવાની હતી પરંતુ એગ્રીમેન્ટ પૂરો થયા સુધી તેની કંપનીને કોઇ માલ કે
ડોક્યુમેન્ટ મળ્યા ન હતાં. જેથી કંપનીના
વહીવટકર્તા કપિલ શર્મા અને વિશ્વમ શર્મા સાથે વાતચીત કરતાં બંને થોડા દિવસોમાં માલ
મળી જશે તેવું આશ્વાસન આપતા હતા. આખરે તે ગુડગાવ ખાતે રૃબરૃ જઇ બંનેને મળ્યા હતા.
તે વખતે બંનેએ થોડા દિવસોમાં માલ મળી જશે,
એટલું જ નહીં એગ્રીમેન્ટ મુજબ ડિલીવરી પેટે કુલ સોદાની ૫ ટકા રકમ પણ ચૂકવી
દેશે તેવું આશ્વાસન આપ્યું હતું.
પરંતુ આમ છતાં માલની ડીલીવરી નહીં મળતાં આખરે કંતિકાના
ડાયરેક્ટર ચંચલ રાની વતી કપિલ શર્માએ કોલ કરી જણાવ્યું કે તમારું કાર્ગો ઇરાનના
અબ્બાસા પોર્ટ પર પહોંચી ગયું છે. જે શીપમાં લોડીંગ માટે તૈયાર છે. અમારી પાસે
શીપના ભાડાના પૈસા નથી જેથી તે રકમ તમે મોકલી આપો, ફાઇનલ ચૂકવણીમાંથી તે રકમ અમે બાદ કરી આપશું. પરિણામે તેણે
રૃા. ૭૫ લાખના ત્રણ અલગ-અલગ ટ્રાન્જેકશન કરી આરટીજીએસ મારફત કંતિકા કંપનીને રૃા.
૨.૨૫ કરોડ ચૂકવ્યા હતાં. જેના ચાર દિવસમાં માલ લોડ કરી આપવાનો હતો. પરંતુ માલ લોડ
થયો ન હતો. જેથી ફરીથી કપિલ શર્માનો સંપર્ક કરતાં તેણે કહ્યું કે તમે અમારી સાથે
ઇરાનના બંદર અબ્બાસા ખાતે ચાલો,
તમારો માલ ત્યાં પડયો છે,
જે તમારી રૃબરૃમાં લોડ કરાવી દેશું.
જેને કારણે તે વેપારી મિત્ર ઇમરાનભાઇ સોઢા અને કપિલ શર્મા
સાથે ઇરાનના બંદર અબ્બાસા ખાતે પહોંચ્યા હતા પરંતુ ત્યાં કપિલ શર્માએ પાંચેક દિવસ
અલગ-અલગ જગ્યાએ ફેરવ્યા હતા પરંતુ માલ દેખાડયો ન હતો. જેને કારણે છેતરપિંડી થયાની ખાતરી થઇ જતાં, રૃપિયા પરત
માગતાં કપિલ શર્માએ દિલ્હી ખાતે પહોંચીને રૃપિયા પરત આપવાની વાત કરી હતી. દિલ્હી
ખાતે રકમ પરત મેળવવા પાંચેક દિવસ સુધી રાહ જોઇ હતી. પરંતુ રૃપિયા પરત નહીં મળતા
અને કપિલ શર્માએ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખતા આખરે ફરિયાદ નોંધાવી હતી.