– 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
– ગામમાંથી પસાર થતાં ઓવરલોડ વાહનો સામે તંત્રના આંખ આડા કાન : આખરે ખાણ-ખનીજ વિભાગ દોડી આવ્યું
જેસાપુરા અને મીઠાપુરા ગામમાંથી દરરોજ અનેક ઓવરલોડ વાહનો પસાર થાય છે. જેને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. તેમજ ગામમાંથી ઓવરલોડ વાહનો પસાર થતાં હોવાથી બંને ગામના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
છેલ્લા પંદર દિવસથી જેસાપુરા અને મીઠાપુરામાં રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો પસાર થતાં હોવાથી ડમ્પરોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવા ગ્રામજનોએ માંગ કરી હતી. તેમછતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ જ લક્ષ આપવામાં આવતું નહતું.
જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જનતા રેડ કરી રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડી ખાણ-ખનીજ વિભાગનો સંપર્ક કર્યો હતો. જેથી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રૂ. ૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ ડમ્પર આણંદના શખ્સનું છે. ભૂમાફિયાઓમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી અંગેનો કોઈ જ ડર રહ્યો ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ આણંદ જિલ્લામાં ખાણ- ખનીજ વિભાગ અને પોલીસની રહેમ નજર હેઠળ ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન અને વહન કરતા હોવાના આક્ષેપો બંને ગામના લોકોએ લગાવ્યા હતા. તેમજ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાથી ગ્રામજનોને જનતા રેડ કરવાની ફરજ પડી હોવાનું ઉમેર્યું હતું.