Anti Social Elements Created A Ruckus in Ahmedabad: અમદાવાદના ચાણક્યપુરીમાં શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્ત્વોએ રવિવાર (29મી સપ્ટેમ્બર) રાત્રે આતંક મચાવ્યો હતો. પોલીસે આ આતંક મચાવનારા પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે,’ગુજરાતમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી.’
હર્ષ સંઘવીએ આપી ચેતવણી
ચાણક્યપુરીમાં બનેલી ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે, ‘પોતાના બાળકાને કાયદો જરૂર શીખવાડી દેજો, જો કાયદો તોડશે તો નુકસાન જરૂર થશે. ગુજરાતનું સૂત્ર છે, દાદાના રાજમાં કોઈ પ્રકારની દાદાગીરી આ રાજ્યની ધરતી પર ચલાવી લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ કરશો તો સાત જન્મ સુધી યાદ રહે એવી કાર્યવાહી થશે.’
જાણો શું છે સમગ્ર મામલો
ચાણક્યપુરીના શિવમ આર્કેડ સોસાયટીમાં 29મી સપ્ટેમ્બરે અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. થોડા દિવસ પહેલા ભાડે રાખેલા મકાનમાં પાંચ લોકોએ દારુની મહેફિલ માણી હતી. આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, તો ત્રણ વ્યક્તિ ભાગી જઈને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને બબાલ શરુ કરી હતી. જેમાં સિક્યુરિટીની કેબિન અને વાહનો નુકસાન પહોંચ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીના નામ
•રવિ પરધાનજી ઠાકોર
•અર્જુન ગણેશ સોલંકી
•અક્ષય ગોવિંદ ઠાકોર
•સંજય ભરત ઠાકોર
•અન્ય એક સગીરની ધરપકડ કરાઈ છે.
બીજી તરફ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શિવમ આર્કેડ સોસાયટીના 205 નંબરના ફ્લેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ફ્લેટમાં 25થી વધુ ખાલી દારુની પેટીઓ મળી હતી.